લીલાવતી ટ્રસ્ટ દ્વારા એચડીએફસી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝીક્યુયુટિવ ઓફિસર શશિધર જગદીશન સામે દાખલ કરાયેલ કેસ વાસ્તવિક ગુનાહિત પ્રવૃત્તિને બદલે વ્યક્તિગત અસંતોષથી ઉભો થયો હતો. સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે આ અવલોકનો કર્યા.

જગદીસન સામે ફોજદારી કાર્યવાહી રદ કરવાના પોતાના આદેશમાં, હાઇકોર્ટે જણાવ્યું હતું કે એચડીએફસી બેંક દ્વારા ટ્રસ્ટ સામે શરૂ કરાયેલી વસૂલાત કાર્યવાહીના પરિણામે લીલાવતી ટ્રસ્ટે તેમની સામે કેસ દાખલ કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે, “વસૂલાત કાર્યવાહીના આડમાં દેખાતી સ્પષ્ટ વ્યક્તિગત દુશ્મનાવટ હસ્તક્ષેપ કરવાનું એક ફરજિયાત કારણ છે.”

મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ દાખલ કરાયેલી એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે જગદીસને ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ પાસેથી ૨.૦૫ કરોડની લાંચ લીધી હતી. આ કથિત રકમ વસૂલાત પ્રક્રિયામાં હેરફેર કરવા માટે ચૂકવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ન્યાયાધીશ એમ.એસ. કર્ણન અને એન.આર. બોરકરની બેન્ચે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે લીલાવતી કિર્તીલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ એચડીએફસી બેંક દ્વારા ૬૫ કરોડથી વધુની બાકી રકમ વસૂલવા માટે શરૂ કરાયેલી કાર્યવાહીનો પ્રતિભાવ હતો.

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટતા કરી હતી કે, “અમને વિશ્વાસ છે કે લીલાવતી ટ્રસ્ટ અને ટ્રસ્ટી પ્રશાંત મહેતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ નાણાકીય સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલી વસૂલાત કાર્યવાહીનું પરિણામ છે. આ ફરિયાદ તે કાર્યવાહીનો પ્રતિભાવ છે, અને ઉપલબ્ધ પુરાવા આ મામલાની તપાસને સમર્થન આપતા નથી.”

શશિધર જગદીશન એચડીએફસી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝીઈક્યુયુટિવ ઓફિસર છે અને તેમને બહોળો કાર્ય અનુભવ છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે અને અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેઓ ૧૯૯૬ માં બેંકમાં નાણાં વિભાગમાં મેનેજર તરીકે જોડાયા હતા.