શહેર ખાતે પ્રેમ લગ્ન બાબતે એકઠા થયેલા મિત્રો વચ્ચે બોલા ચાલી થતા મામલો હત્યાની ઘટના સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. મિત્ર દ્વારા જ મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં ખેતી કામના વ્યવસાય સાથે સંકળાયેલા ૩૮ વર્ષીય જગદીશ મહેતા નામના વ્યક્તિનું મૃત્યુ થયંબ હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ૩૨ વર્ષીય વિધવા મનીષા જગદીશ મહેતા દ્વારા બોટાદ સીટી પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ જગદીશ મહેતાના મિત્ર નરેશ મનુભાઈ ચાવડા, અનિરુદ્ધ ઉર્ફે પોપટ મનુભાઈ ચાવડા, મહાવીર ચાવડા, ભગીભાઈ ભાભલુભાઈ, નાગરાજભાઈ ચાવડા, યોગેશભાઈ પ્રતાપભાઈ તેમજ વનરાજભાઈ ખાચર
આભાર – નિહારીકા રવિયા વિરુદ્ધ બીએનએસ ની કલમ ૧૦૯(૧), ૧૦૩(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૩૨૪(૪), ૩(૫) સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસને આપેલી ફરિયાદમાં મનીષા મહેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૧૦ જૂન ૨૦૨૫ ના રોજ સાંજના સમયે મારા પતિનો મને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતુ કે, ગઢડા રોડ ઉપર રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા હેતલબેન સોલંકીના ઘરે હું તેમજ મારા મિત્રો નરેશભાઈ તથા જયદીપ તથા સુરાભાઈ તેમજ અફઝલ ખીમાણી સહિતના વ્યક્તિઓ જમવાનો પ્રોગ્રામ હોવાથી હું રાત્રિના મોડેથી આવીશ. ત્યારે રાત્રિના ૧૨:૧૫ વાગ્યાના અરસામાં મારા પતિના મિત્ર નરેશ ચાવડા ગાળો બોલતા બોલતા મારા ઘરે આવ્યા હતા. તેમજ નરેશભાઈ કહેતા હતા કે, હું જગાને બે દિવસમાં મારી નાખવાનો છું. જગાએ અને સુરાભાઈએ હેતલ સોલંકીના ઘરે મારી સાથે માથાકૂટ કરી છે તેવું કહીને અમારા ઘરની બહાર નીકળી ગયા હતા. તેમજ તેમની સાથે આવેલા માણસોએ અમારા મોટરસાયકલમાં તોડફોડ કરી હતી. દરમિયાન રાત્રીના પોણા એક વાગ્યાના અરસામાં મારા કૌટુંબિક ભત્રીજા જય મહેતાનો મને ફોન આવ્યો હતો. તેમજ મને જણાવ્યું હતું કે, જગા કાકાને પાળિયાદ રોડ ઉપર શિવ શક્તિ ગેસ્ટ હાઉસ પાસે કોઈએ છરીઓના ઘા મારેલા હોય જેથી અમે તેમને સોનાવાલા હોસ્પિટલ ખાતે લઈ જઈએ છીએ. જ્યાં સારવાર દરમિયાન મારા પતિનું મૃત્યુ થયું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.
મારા પતિ તેમજ તેમના મિત્રો હેતલબેન સોલંકીના ઘરે જમવા માટે ભેગા થયા હતા. હેતલબેન સોલંકીની દીકરી જાનવીએ પ્રેમ લગ્ન કર્યા હોય જે બાબતે સમાધાનની વાત ચાલતી હતી. જે સમાધાનની વાતમાં ઝઘડો થતા નરેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. તેમજ ત્યારબાદ નરેશભાઈ દ્વારા મારા પતિને છાતીના ભાગે છરીનો ઘા માર્યો હતો. તેમજ ત્યારબાદ નરેશભાઈ દ્વારા પોતાના સગા સંબંધીઓને ફોન કરીને બોલાવીને હેતલ બહેનને પણ માર માર્યો હતો. તેમજ મારા ઘાયલ પતિને તેમના મિત્ર અફઝલ એકટીવા પાછળ બેસાડીને લઈ જતા હતા ત્યારે અનિરુદ્ધ ઉર્ફે પોપટ ચાવડા દ્વારા શક્તિ ગેસ્ટ હાઉસ પાસે એકટીવા ને પાછળથી ટક્કર મારીને પાડી દીધી હતી. તેમજ ત્યારબાદ અનિરુદ્ધભાઈ ઉર્ફે પોપટ ચાવડાએ તેમજ યોગ્ય પ્રતાપ ચાવડા તેમજ વનરાજ ખાચર દ્વારા લોખંડનો પાઇપ લઈને યોગેશભાઈએ મારા પતિને પકડી રાખ્યા હતા. જ્યારે કે અનિરુદ્ધ દ્વારા બે ચાર લાફા મારી તેના હાથમાં રહેલ છરી વડે મારા પતિને એક જીવ લેણ ઘા માર્યો હતો. સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલના જણાવ્યા અનુસાર, મરણ જનાર જગદીશ મહેતા તેમજ નરેશ ચાવડા બંને મિત્રો છે. ઘણા સમયથી એકબીજાના પરિચયમાં છે તેમજ સાથે બેસવાની ટેવ પણ ધરાવે છે. હેતલ સોલંકીની દીકરી જાનવી પ્રેમ લગ્ન કરતા જગદીશ મહેતા, નરેશ ચાવડા સહિતના વ્યક્તિઓ હેતલબેનના ઘરે એકઠા થયા હતા. તે સમયે નરેશ ચાવડા દ્વારા હેતલ સોલંકીને દીકરીના પ્રેમ લગ્ન બાબતે સમાધાન કરી લેવાનું જણાવ્યું હતું. જ્યારે કે જગદીશ મહેતા સમાધાન કરવા બાબતે ના પાડતા હતા. જેથી બંને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી અને આખરે મામલો હત્યા સુધી પહોંચ્યો છે. તમામ આરોપીઓ રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના આંકડિયા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓને ઝડપી પાડવા માટે બોટાદ સિટી પોલીસ સ્ટેશન, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. ટેકનિકલ સર્વિલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સના માધ્યમથી આરોપીઓની શોધખોળ હાલ ચાલી રહી છે.