ઉનામાં ભારતીય કિસાન સંઘે આજે ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને ઉનાના મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્ર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બનેલી ઘટનાના સંદર્ભમાં આપવામાં આવ્યું છે, જેમાં ઉના સહિત અન્ય માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કળદા કે કટકી પ્રથાનો ભોગ ન બને તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, છેલ્લા ઘણા સમયથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કળદા પ્રથા ચાલુ હતી, જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હતું, ખેડૂતોએ આ પ્રથાનો વિરોધ કર્યો હતો, પરંતુ તે સમયે સરકારે હસ્તક્ષેપ કર્યો ન હતો. જ્યારે ખેડૂતોનો વિરોધ આંદોલનમાં ફેરવાઈ ગયો અને તેમની વેદના રોકી ન શક્યા, ત્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટના બાદ ઉના ભારતીય કિસાન સંઘે સક્રિયતા દાખવી છે. સંઘે માંગ કરી છે કે, ઉના માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, જીનિંગ મિલના માલિકો અને ખેડૂતો સાથે સંકળાયેલા નાના-મોટા વેપારીઓ પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવે. આ આવેદનપત્ર સંઘના પ્રમુખ બાબુભાઈ મકવાણાની આગેવાની હેઠળ ભીખાભાઈ લીંબાણી, ભરતભાઈ રૂપાલા સહિતના ખેડૂતો દ્વારા મામલતદારને સુપરત કરવામાં આવ્યું હતું.