આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દાણચોરી મામલે અમદાવાદની એનડીપીએસ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ ૨૦૨૪માં હેરોઈન ટ્રાફિકિંગ કેસમાં પકડાયેલ ફિલિપાઇન્સની મહિલા આરોપી ગિનાલિયન પાડીવાન લિમોનને કોર્ટે દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને ૨ લાખના દંડની સજા સંભળાવી છે.
કેસ અંગે હકીકત એવી છે કે, અમદાવાદ ઝોનલ એનસીબી યુનિટે વર્ષ ૨૦૨૪માં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૧૧ જૂન ૨૦૨૪ના રોજ ફિલિપાઇન્સથી આવેલા મહિલા મુસાફર ગિનાલિયન પાડીવાન લિમોનને શંકાના આધારે રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન મહિલા પાસેથી કુલ ૨.૧૨૧ કિલોગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો, જેના કારણે  આ ગિનાલિયન પાડીવાન લિમોનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન એનસીબીની ટિમને જાણવા મળ્યું હતું કે, આરોપી ફિલિપાઇન્સની મહિલા ગિનાલિયન પાડીવાન લિમોન આંતરરાષ્ટ્રીય  ડ્રગ્સ સિન્ડિકેટ માટે ‘કેરિયર’ તરીકે કામ કરતી હતી અને અગાઉ પણ ડ્રગ્સ સાથે ભારત આવી ચૂકી હતી. જે કેસમાં એનસીબીએ તપાસ પૂર્ણ કરી એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
બાદમાં કોર્ટમાં કેસ ચાલવા પર આવતા લાંબી કાનૂની પ્રક્રિયા અને સરકારી વકીલ દ્વારા મહત્વના પુરાવાઓ કોર્ટે સમક્ષ રજુ કરી મહત્વ સજા કરવા રજુઆત કરાઈ હતી. બીજી તરફ બચાવપક્ષે પણ આરોપીને ઓછી સજા થાય તે માટે રજૂઆત કરી હતી. જાકે એનડીપીએસ કોર્ટે મહત્વના પુરાવો આધારે મહિલા આરોપી ગિનાલિયન પાડીવાન લિમોનને દોષિત ઠેરવી ૨૦ સખત કેદ અને બે લાખ રૂપિયાના દંડની કડક સજા સંભળાવી છે.