મધ્યપ્રદેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કામાં ૧૩ મેના રોજ રતલામમાં મતદાન થશે. ત્યારે આ પૂર્વે કોંગ્રેસના એક જાણીતા નેતાના નિવેદનથી રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના રતલામથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભૂરિયાએ એક રેલીમાં પાર્ટી દ્વારા પ્રસ્તાવિત ‘મહાલક્ષ્મી યોજના’ અંગે વિચિત્ર દાવો કર્યો હતો, જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. કાંતિલાલ ભુરિયાએ કહ્યું કે, કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે તેના ‘ન્યાય પત્ર’ (ઘોષણાપત્ર) માં મહાલક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કર્યો છે, જે અંતર્ગત જા અમારી સરકાર બનશે તો અમે ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક રૂ. ૧ લાખ આપીશું અને જેમની બે પત્નીઓ છે તેમને રૂ. ૨ લાખ મળશે.
સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ કાંતિલાલ ભૂરિયાના આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસને આડે હાથ લીધી છે. ભાજપે કાંતિલાલ ભૂરિયા સામે પગલાં લેવાની માંગ ચૂંટણી પંચ પાસે કરી હતી. જણાવી દઈએ કે, સૈલાનામાં એક ચૂંટણી રેલીને સંબોધતા કરતી વેળાએ ભૂરિયાએ કહ્યું હતું કે, અમારો મેનિફેસ્ટો દરેક મહિલાને રૂ. ૧ લાખ આપવાનું વચન આપે છે. આ તેમના બેંક ખાતામાં જમા થશે. જ્યારે, જે વ્યક્તિની બે પત્નીઓ છે, તે બંનેને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
કાંતિલાલ ભૂરિયાનું આ નિવેદન સામે આવ્યા બાદ ભાજપના મધ્યપ્રદેશના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ કાંતિલાલ ભૂરિયાના નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર અપલોડ કરી અને ચૂંટણી પંચને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી છે.જણાવી દઈએ કે, કાંતિલાલ ભૂરિયા મધ્યપ્રદેશના વનમંત્રી નાગરસિંહ ચૌહાણના પત્ની અનિતા ચૌહાણ સામે ચૂંટણી લડી રહ્યા છે. મધ્યપ્રદેશનમાં લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કામાં ૧૩ મેના રોજ રતલામમાં મતદાન થશે.
Home રસધાર રાજકીય રસધાર બે પત્નીવાળાને રૂ. ૨ લાખ મળશે’! કોંગ્રસ નેતાના વિચિત્ર દાવાથી રાજકારણ ગરમાયું