જસદણ પોલીસ મથક હેઠળના વિંછીયા તાલુકાના સોમલપર ગામની સીમમાં આવેલ પાણીના સમ્પ પાસે ભડલી ગામના છોકરાઓ સોમલપર ગામના છોકરાઓ સાથે મારામારી કરતા હતા. ત્યારે ત્યાં ઉભેલા વાલ્વમેન તરીકે ફરજ બજાવતા સોમલપર ગામના વલ્લભભાઈ તળશીભાઈ ડાભી(ઉ.વ.૪૦) ને ભડલી ગામના રાજેશ બારૈયા સહિતના ૧૦ કરતા વધારે શખ્સોએ અચાનક પડખાના ભાગે છરીના ઘા ઝીંકી દેતા તેમને સારવાર માટે આટકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે વલ્લભભાઈ ડાભીને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. આ ઘટનામાં બે યુવકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતા જસદણ પીઆઈ ટી.બી.જાની સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હત્યા પાછળનું કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. બાદમાં મૃતક વલ્લભભાઈ ડાભીના મૃતદેહને પી.એમ. અર્થે જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ફોન પર માથાકૂટ બાદ બન્ને જૂથ સામસામે આવી ગયાં
આ હત્યાના બનાવમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં એકબીજાનાં પરિવારના છોકરાઓ વચ્ચે પહેલા ફોન પર
માથાકૂટ થઈ અને ત્યાર બાદ સોમલપર ગામની સીમમાં આવેલા પાણીના સમ્પ પાસે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ હત્યાના બનાવમાં જસદણ પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન લઈ આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમ બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.