“બેરાલાલ હમણાં જાતિ આધારિત વસ્તી ગણતરી આવી રહી છે. કોણ કેટલાં પાણીમાં છે. એ તરત જ ખબર પડી જાહે.”
બોસે બેરાલાલ તરફ જોઈને વાતની શરૂઆત કરી.
“પાણીમાં ગણતરી કરવાની છે? કે પાણીને ગણવાનું છે?? પાણીને કેમ કરીને ગણશે ?”
“અરે બેરાલાલ , પાણીમાં નહીં..! વસ્તી ગણતરી. એમાં હંધૂય પુછવાના છે. એટલે કોણ કેટલાં પાણીમાં છે. એ બહાર આવી જાહે.”
“હો..હો..હો..! ઘરમાં નહીં રે’ વા દે. બહાર કાઢીને ગણશે ? ઢોર ઢાંખર હંધૂય ગણશે ?”
“અરે..! બેરાલાલ ગધેડા.. ગધેડા..!”
“હું ગધેડો? મારી ગણતરી ગધેડામાં કરશે એમ ? અરે..બોસ હું તમને એકેય બાજુથી ગધેડો લાગું છું?”
“બેરાલાલ, એમ નહીં. ગણતરી ગધેડા, ઊંટ, વાહન. આવી ગણતરી કરશે.”
“શું કીધું તમે ? ઊંટ ? હું ઊંટ જેવો છું? બોસ બોસ. ઊંટને તો અઢારે ‘ય વાંકા હોય. અને હું..”
“બેરાલાલ, તમે તો સીધાં નેતરની સોટી જેવાં છો. તમને ઊંટ કે’ વાય..!”
“તો પછી શું ગધેડો કહ્યો? જો તમે મારી ગણતરી ગધેડામાં કરશો તો હું અહીં રહેવાનો નથી.”
“બેરાલાલ આજકાલ તમને હંભળાય છે ઓછું. હું તમને ગધેડો કે’ તો હશ..!! અને આમેય આપણે ત્યાં હવે ગધેડાની સંખ્યા ઘટી રહી છે.”
“તો પછી એ ગધેડા ક્યાં વધતાં હશે ?”
બેરાલાલના મગજમાંથી ગધેડો જાતો નથી.
“પાકિસ્તાનમાં. ખરેખર હોં, પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધી રહી છે.”
“એટલે શું પાકિસ્તાન ગધેડાનો દેશ થઈ જાહે ?”
“ના..ના..ના. એમ તો ચીનમાં ‘ય ગધેડા ખરાં. ”
“તો પછી.., મને એમ કેમ લાગે છે કે, ચીનમાં લોકો બુધ્ધિશાળી હોય છે. નવી કોઈપણ વસ્તુ પહેલાં ચીનમાં દેખાય છે. અને તમે કહો છો કે, ચીનમાં ગધેડા વધી રહ્યાં છે. તમારું કામ સરકારી કાગળિયાં જેવું છે. ગળે ઉતરે ‘ય નહીં અને ગળા બહાર જાય પણ નહીં. જો ચીનમાં ગધેડા વધે છે તો માણસો બુધ્ધિશાળી કેમ છે?”
“બેરાલાલ, ગધેડા અને માણસ આ બન્નેમાં ફેર છે.”
“તો પછી તમે મને ગધેડા કેમ કહ્યું?”
“બેરાલાલ હું એમ પુછતો હતો કે, તમારાં ગધેડા ક્યાં ગયાં??”
આ આખી ચર્ચા ચાલી રહી હતી. એ દરમિયાન અભણ અમથાલાલની કાયામાં ગધેડાએ પ્રવેશ કર્યો. આવતાં વેંત જ બોસ અને બેરાલાલને પાછલાં પગે આશિર્વાદ આપ્યા.
“તમારી હિંમત જ કેમ થઈ. અમારી સરખામણી માણસ સાથે કરવાની. અમે તમને માણસ જેવાં લાગીએ છીએ? અરે, ક્યાં માણસ અને ક્યાં અમે. તમે દુનિયામાં દાખલો બતાવો કે, માણસ કોઈનો થયો હોય. તમે હંધાય અમેરિકા અમેરિકા કરો છો. હમણાં ન્યાં ચૂંટણી ગઈ. ટ્રમ્પ અને મસ્ક બેઉંની દોસ્તી દુનિયામાં વખાણાતી હતી. લ્યો, શું થયું? અત્યારે બેઉં એકબીજાને પાડી દેવા માટે દાવપેચ રમે છે. આ ..આ..! તમારાં માણસો. અને અમે !?? માલિકને એકદમ વફાદાર. માલિક કહે એટલું જ કરવાનું. સવારથી સાંજ માલિકનું કામ કરવાનું. અને અમારું પેટ ભરવાનું અમારી રીતે.
તમારી માણસ જાતને યાદ અપાવી દઉં કે, દુનિયામાં અમારી જાત જ એક એવું પ્રાણી છે જે પોતાનું પેટ પોતાની જાતે ભરે છે. અમારાં પેટની વ્યવસ્થા માલિકે કરવાની નથી રહેતી.
બાકીના દરેક પ્રકારના પ્રાણી લઈ લો માલિક કરતાં વધારે પ્રાણી માટે વ્યવસ્થા કરે છે. કરવી પડે છે.
અમે એક જ એવી જાત છીએ કે, સવારથી સાંજ માલિકનું કામ કરીએ. સાંજે પેટ ભરવાનું પોતાની રીતે. છતાંય તમે અમારી સરખામણી માણસ જાત સાથે કરો છો!?? માણસે અમને ડફણાં સિવાય આપ્યું છે શું??”
અભણ અમથાલાલનું શરીર ધુણી ધુણીને લાલચોળ થઈ ગયું. બોસ અને બેરાલાલ એકદમ ચૂપ થઈ ગયાં. શું બોલવું? ઈ કાંઈ હમજાતું નથી. પણ, છેવટે બોસનું મોઢું માંડ માંડ ખુલ્યું.
“ગધા મહારાજ.! અમારી ભૂલ થઈ ગઈ. અમને માફ કરો. બે હાથ અને ત્રીજું મસ્તક નમાવીએ છીએ. અમને માફ કરો.”
“માફ તો તમને નાછૂટકે કરવાં જ પડશે. અમારી આખી પ્રજાતિ કોઈને દંડ દેવામાં માનતી જ નથી. પણ.., આ આખી ચર્ચા કેમ કરવી પડી એ કહેશો !??”
“ગધા મહારાજ..! સરકારે અમારી વસ્તી ગણતરી કરતાં કરતાં તમારી વસ્તી ગણતરી પણ કરી. હવે છેલ્લા વર્ષમાં ભારતમાં તમારી વસ્તી એક લાખને વીસ હજાર જ રહી અને પાકિસ્તાનમાં એક લાખ વધી ગઈ. એમ ન્યાં તમારી વસ્તી એકસઠ લાખે પહોંચી ગઈ. પાકિસ્તાનમાં તમારી વસ્તી કેમ વધી ગઈ? આટલી જ ચર્ચા હતી. શું ગધા મહારાજ, આનો જવાબ તમારી પાંહે છે!??”
અમથાલાલના ખોળિયામાંથી ગધા મહારાજે અચાનક જ રજા લઈ લીધી.
“બોલો…………..ની જય.”
આભાર – નિહારીકા રવિયા









































