રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામની જિલ્લા બેન્કના કેશિયરે ૨૦ જેટલા ખાતેદારની બોગસ સહીઓ કરી ચેક પોતાના અને પોતાના સંબંધીઓના ખાતામાં રૂ. ૭૧.૪૩ લાખની હંગામી ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બેન્કના કેશીયરની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
જેતપુરના અભિષેકનગરમાં રહેતા અને ધોરાજી જિલ્લા બેન્કના મેઇન શાખામાં ડેપ્યુટી મેનેજર ગોપાલભાઇ ભીખાભાઇ રાદડીયાએ વાડોદર ગામની શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતા ધોરાજીના વિકાસ રતિલાલ લાખાણી સામે રૂ. ૭૧.૪૩ લાખની હંગામી ઉચાપત કર્યાની પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિકાસ લાખાણી વાડોદરની જિલ્લા બેન્કમાં કેશિયર તરીકે ફરજ બજાવે છે તેઓએ ગત તા. ૨૯ ડિસેમ્બરથી તા. ૧૪ જુન દરમિયાન જુદા જુદા ૨૦ જેટલા બેન્ક ખાતેદારોની બોગસ સહીઓ કરી રૂ.૭૧.૪૩ લાખની ઉચાપત કર્યાનું બેન્કના ઓડીટ દરમિયાન ધ્યાને આવ્યું હતું. જેમાં વાડોદર બેન્કમાં એકાઉન્ટ ધરાવતા ખીમાભાઇના રૂ .૧૨ લાખ, અÂશ્વનભાઇ અને તેમના પત્ની મનિષાબેનના જાઇન્ટ એકાઉન્ટમાંથી રૂ. ૮ લાખ, જીવુભા બળવંતસિંહ વાઘેલાના રૂ. ૨ લાખ, પ્રફુલભાઇ લાખાણીના રૂ. ૧ લાખ, પ્રફુલભાઇ દાવડાના રૂ.૪.૫૦ લાખ, મેરામભાઇ છૈયાના રૂ. ૨.૫૦ લાખ, પેથલજીભાઇ મ્યાત્રાના રૂ. ૮ લાખ, ગાંડુભાઇ લાખાણીના રૂ. ૨ લાખ, જયાબેન રૂદાણી અને તેમના પતિ કાનજીભાઇ રૂદાણીના જાઈન્ટ એકાઉન્ટમાંથી રૂ. ૫.૫૦ લાખ, વિજયભાઇ સાવલીયાના રૂ. ૩ લાખ, વિઠ્ઠલભાઇ લાખાણીના રૂ. ૨.૫૦ લાખ, મનસુખભાઇ મૈયડના રૂ. ૧.૨૩ લાખ, પરસોતમભાઇ રૂદાણીના રૂ.૮૦ હજાર, ભાવેશ લાવડીયાના રૂ.૨ લાખ, પ્રતાપસિંહ વાઘેલા અને અશોકસિંહ વાઘેલાના રૂ.૫ લાખ, ભનુભાઇ દેસાઇના રૂ.૩૫ હજાર, પરસોતમભાઇ ટાંકના રૂ. ૨ લાખ, મગનભાઇ પાચાણીના રૂ. ૭ લાખ, હમીરભાઇ ડાંગરના રૂ. ૧ લાખ અને દિનેશભાઇ વિરડાના રૂ. ૧ લાખ બોગસ સહીના આધારે બારોબાર ઉપાડી લીધાનું ઓડીટ દરમિયાન બહાર આવ્યું છે.
આરોપી વિકાસ લાખાણી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેંકની ધોરાજી ખાતેની વાડોદર શાખામાં કેશિયર તરીકે કામ કરતો હતો. તેણે ડિસેમ્બર ૨૦૨૧ અને જૂન ૨૦૨૨ વચ્ચે બેંકના ગ્રાહકોના ખાતામાંથી ચાલાકીપૂર્વક રૂ. ૭૧ લાખ ઉપાડી લીધા હતા. જયારે એક ખાતાધારક બ્રાંચમાં પાસબુક અપડેટ કરાવવા આવ્યો ત્યારે તેને જાણ થઇ કે તેના ખતામાંથી ૩ લાખ રૂપિયાની ઉચાપત થઇ છે. આ અંગે તેણે બેંકની શાખાના મેનેજરને ફોન કરી જાણ કરી કે તેમની જાણ વગર ખાતામાંથી રૂ. ૩ લાખ ઉપાડી લેવામાં આવ્યા છે. ત્યારબાદ સમગ્ર મામલો સામે આવતા કુલ રૂ. ૭૧ લાખની ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ બેંકના અધિકારીઓએ વિકાસ લાખાણી સામે પાટણવાવ પોલીસ સ્ટેશમાં છેતરપિંડી અને બનાવટનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વિકાસ લાખાણીએ ચેક પર ગ્રાહકની જ નકલી સહી નહીં પરંતુ ચેક ક્લિયર કરવા માટે બેંક મેનેજરની પણ નકલી સહી કરી હતી.
પોલીસે નોંધેલી એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રાહકની ફરિયાદ બાદ બેંકના વરિષ્ઠ અધિકારીઓએ ખાતાના વ્યવહારોની ચકાસણી કરી અને જાણવા મળ્યું કે વિકાસ લાખાણીએ પહેલા સીઆઇએફ (કસ્ટમર ઇન્ફોર્મેશન ફાઈલ) માંથી તો ગ્રાહકનો મોબાઈલ નંબર ડિલીટ કરી નાખ્યો હતો, જેથી રૂપિયા ઉપાડવા બદલ ગ્રાહકને એસએમએસ એલર્ટ ન મળે. લાખાણીએ ચેક પર ગ્રાહકની નકલી સહી અને બ્રાંચ મેનેજરની નકલી સહી કરીને ચેક ક્લિયર કર્યો હતો. આ ઉપરાંત તે ગ્રાહક પાસેથી ડિપોઝીટના નાણા લઇ પાસબુકમાં એન્ટ્રી કરી આપતો હતો ત્યારબાદ બેંકના રેકોર્ડમાંથી
એન્ટ્રી ડિલીટ કરી નાખતો હતો અને પૈસા પોતાની પાસે રાખી લેતો હતો. આ ઉચાપતનો મામલો સામે આવતા હોબાળો મચ્યો છે. બેંકના તંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે કે આટલી મોટી રકમની ઉચાપત છતાં બેક મેનેજર કે અન્ય બેંક કર્મચારીને ખબર પણ ના પડી? બેન્ક દ્વારા ઓડીટ કરવામાં આવતા વિકાસ લાખાણીએ રૂ.૭૧.૪૩ લાખની ઉચાપત કર્યાનું બહાર આવતા તેને બેન્કના એકાઉન્ટમાં પુરેપુરી રકમ વ્યાજ સાથે તમામ ખાતેદારને જમા આપી દીધી હતી. બેન્કના નાણા અંગત ઉપયોગમાં વાપર્યા હોવાથી તેની સામે હંગામી ઉપાચત અંગેનો પાટણવાવ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. વાડોદર ગામની જિલ્લા બેન્કના કેશિયરે જુદા જુદા ૨૦ જેટલા ખાતેદારના રૂ. ૭૧.૪૩ લાખની રકમની ઉચાપત કરી અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાની પાંચેક માસ પહેલાં ફરિયાદ ઉઠતા વાડોદરની જિલ્લા બેન્કના મેનેજર રાજુભાઇ રાવલે ધોરાજી મેઇન શાખાના ડેપ્યુટી મેનેજર ગોપાલભાઇ રાદડીયાને જાણ કરતા બેન્કની વિઝીલન્સના મેનેજર મગનભાઇ કાછડીયા, કે. બી. રામોલીયા અને એમ. એલ. નરોડીયા દ્વારા ઓડીટ તપાસ કરતા કેશિયર વિકાસ લાખાણીએ ઉચાપત કર્યાનું બહાર આવ્યું હતું.