પશ્ચિમ કચ્છ જિલ્લામાં સાયબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી કરતાં સાયબર સેલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા એક સંયુક્ત ઓપરેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભાંડો ફોડવામાં આવ્યો છે. આરોપીઓ લોકોનો વિશ્વાસ જીત્યા બાદ તેમના નામે બેન્ક ખાતા ખોલાવી, તેની એકાઉન્ટ કિટ બહારની ગેંગને કમિશન પર આપતા હોવાનું સામે આવ્યું છે.
રાજ્ય સ્તરે મળેલી સૂચનાઓના આધારે પોલીસ દ્વારા ‘સમન્વય પોર્ટલ’ પરથી મળતી માહિતીના વિશ્લેષણ દ્વારા શંકાસ્પદ એકાઉન્ટ્‌સની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભુજના કોડકી રોડ વિસ્તારમાં રહેતા નીખીલ નાનજી મહેશ્વરી અને નખત્રાણા તાલુકાના બીબર ગામના રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજા ગરવા સાયબર ઠગાઈમાં સંકળાયેલા હોવાના પુરાવા મળ્યા હતા.
તપાસમાં ખુલ્યું કે આરોપીઓ સામાન્ય લોકોને ભુલાવી-ભુલાવી તેમના નામે અલગ-અલગ બેન્કોમાં ખાતા ખોલાવતા અને ત્યારબાદ તે ખાતાઓની કિટ – જેમા પાસબુક, ચેકબુક, છ્‌સ્ કાર્ડ વગેરે શામેલ હોય – બહારની વ્યક્તિઓને કમિશન પર આપી દેતા. આ ખાતાઓનો ઉપયોગ મોટા પાયે સાયબર છેતરપિંડી માટે થતો હતો.
પોલીસે આરોપી નીખીલ મહેશ્વરીના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરી મોટી સંખ્યામાં પુરાવા કબ્જે કર્યા છે. જેમાં ૨૭ પાસબુક, ૮ ચેકબુક, ૧૮ છ્‌સ્ કાર્ડ, ૨૧ સિમ કાર્ડ, ૫ મોબાઇલ ફોન, ૨ લેપટોપ, રાઉટર, ડેટા ટ્રાન્સફર ડિવાઇસ, ઊઇ કોડ અને વિવિધ સ્ટેમ્પનો સમાવેશ થાય છે.
ચોંકાવનારી વાત એ છે કે આ તમામ એકાઉન્ટ્‌સમાં મળીને આશરે ૭૦ કરોડ જેટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન થયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આથી સમગ્ર મામલો વિશાળ સાયબર નેટવર્ક સાથે જાડાયેલ હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની વિવિધ કલમો તેમજ આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બંને આરોપીઓને ધરપકડ કરી આગળની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
પોલીસનું માનવું છે કે આ રેકેટમાં અન્ય લોકો પણ સંકળાયેલા હોઈ શકે છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્્યતા છે. સાથે જ લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિને પોતાના બેન્ક ખાતાની માહિતી કે દસ્તાવેજા આપતા પહેલા સાવચેતી રાખે, નહીં તો તેઓ અજાણતાં જ સાયબર ગુનામાં ફસાઈ શકે છે.