બાબરા એસટી ડેપોમાંથી વહેલી સવારે ઉપડતી બાબરા-અમરેલી રૂટની એસટી બસ ખખડધજ હાલતમાં હોવાનું મુસાફરોમાંથી જાણવા મળ્યું છે. આ બસમા કાચ અને સીટો તૂટેલી હાલતમાં હોય અને અનેક વખત બસ મોડી પહોંચતા અભ્યાસ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ બાબરા-અમરેલી રૂટની વાયા ચમારડી, વલારડી થઇને અમરેલી પહોંચતી એસટી બસ અત્યંત ભંગાર હાલતમાં છે. આ બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અપડાઉન કરી શાળા કોલેજ જતા હોય ત્યારે હાલ શિયાળાની સવારમાં ઠંડી વધુ હોય બસમાં અનેક કાચ તૂટેલી હાલતમાં છે. બસમાં મોટાભાગની સીટ પણ તૂટેલી છે અને બસને અવારનવાર ધક્કા મારીને તો ચાલુ કરવી પડી રહી છે. બસમાં લાઇટ પણ શરૂ નથી જેથી કંડકટરને મોબાઇલ લાઇટથી ટિકિટ કાપવી પડી રહી છે. સ્વચ્છ, સલામત, સમયબધ્ધનાં સ્લોગનથી બણગા ફૂંકતા એસટી તંત્રમાં એમાનું કાંઈ જાવા મળી રહ્યું નથી. ત્યારે ખખડધજ બસ બદલીને આ રૂટ પર સારી બસ મુકવામા આવે તેવી મુસાફરોમાંથી માંગ ઉઠી છે.