કર્ણાટકના બેંગલુરુમાં પ્રખ્યાત રામેશ્વરમ કાફે શનિવારે (૯ માર્ચ) ના રોજ સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. અહીં ૧ માર્ચે આઇઇડી બ્લાસ્ટ થયો હતો, જેમાં ૧૦ લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ કાફે બંધ કરી દેવામાં આવ્યું હતું. કાફેના કો-ફાઉન્ડર રાઘવેન્દ્ર રાવે કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે અમે સુરક્ષાના તમામ પગલાં લઈ રહ્યા છીએ.
કાફેના માલિક રાઘવેન્દ્ર રાવે જણાવ્યું કે, સરકાર અને પોલીસે અમને જણાવ્યું છે કે કાફેમાં ક્યાં વધુ સીસીટીવી લગાવવાની જરૂર છે. અમે એક વ્યક્તિને મોનિટરિંગ માટે રાખીશું??. અમે અમારા સુરક્ષા ગાર્ડને તાલીમ આપવા માટે પૂર્વ સૈનિકોની પેનલ બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.
નેશનલ ઇન્વેસ્તીગેશન એજન્સીએ રામેશ્વરમ કાફે બ્લાસ્ટના આરોપીઓ વિશે માહિતી આપનારને ૧૦ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. એજન્સીએ બુધવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિ આરોપીની ધરપકડ કરવા માટે મદદરુપ માહિતી જણાવશે તેને ઈનામની રકમ આપવામાં આવશે.
એનઆઇએએ એમ પણ કહ્યું કે માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ માહિતી ઈમેલ અથવા ફોન નંબર ૦૮૦-૨૯૫૧૦૯૦૦ અને ૮૯૦૪૨૪૧૧૦૦ પર આપી શકાય છે. એજન્સીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આરોપીનો ફોટો પણ જાહેર કર્યો છે. આ તસવીર ૧ માર્ચે વિસ્ફોટ પહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દરમિયાન, સીસીટીવી ફૂટેજમાં જાવા મળ્યું કે માસ્ક પહેરેલો એક વ્યક્તિ કેફેની નજીક બસમાંથી ઉતર્યો અને ૧૧ઃ૩૦ વાગ્યે કેફેમાં પ્રવેશ્યો. આરોપીની ઉંમર ૨૫ થી ૩૦ વર્ષની વચ્ચેની છે. તે એક બેગ લઈને આવ્યો હતો.
તેણે કાફેમાં ઈડલી મંગાવી, કાઉન્ટર પર પેમેન્ટ કર્યું અને ટોકન લીધું. આ પછી, ૧૧ઃ૪૫ વાગ્યે તે ડસ્ટબીન પાસે બેગ મૂકીને ચાલ્યો ગયો. એક કલાક પછી, ટાઈમર દ્વારા તે જ બેગમાં વિસ્ફોટ થયો, જેમાં ૧૦ લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ ફાયર બ્રિગેડ અને વ્હાઇટ ફિલ્ડ પોલીસે સૌથી પહેલા કહ્યું કે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા તો કેફેની દિવાલ પરનો અરીસો તૂટીને ટેબલ પર વેરવિખેર પડ્યો હતો.
ભાજપે વિસ્ફોટ પર શંકા વ્યક્ત કરી હતી અને દાવો કર્યો હતો કે તે બોમ્બ વિસ્ફોટ હતો. સાંજે ૫ઃ૩૦ વાગ્યે, સીએમ સિદ્ધારમૈયાએ પોતે કહ્યું – તે ઓછી તીવ્રતાનો આઇઇડી બ્લાસ્ટ હતો. એક વ્યક્તિ કેફેમાં એક બેગ મુકીને ચાલ્યો ગયો હતો, જે પછી વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ૧૦ લોકો ઘાયલ થયા છે.રામેશ્વરમ કેફે બ્લાસ્ટને આતંકી સંગઠન આઇએસઆઇએસ સાથે જાડવામાં આવ્યો છે.આ કેસમાં ૭ રાજ્યોમાં ૧૭ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં બુલેટ અને ગ્રેનેડ મળી આવ્યા હતા. જુનૈદ નામનો વ્યક્તિ રામેશ્વરમ કેફે બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ હોવાનું માનવામાં આવે છે. હવાલા ટ્રાન્ઝેક્શનના સંબંધમાં તેની સામે કેસ નોંધાયેલો છે.એનઆઇએની ટીમ તપાસ માટે બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં પણ ગઈ હતી.