છેલ્લાં એક અઠવાડિયાથી જુનાગઢ પોલીસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દારૂનો વેપલો કરતાં બુટલેગરોને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે માંગરોળ અને જૂનાગઢ બાદ બીલખા શહેરમાં થી સરકારી જમીનમાં છુપાવીને રાખવામાં આવેલો પાંચ લાખ કરતા પણ વધારેનો પર પ્રાંતીય દારુ પોલીસે પકડી પાડ્યો છે, આ ઉપરાંત ત્રણ બુટલેગરોને પકડી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને લોકશાહીનું પર્વ અને મતદાન પરપ્રાંતીય દારૂને લઈને બદનામ ન થાય તે માટે પોલીસ દ્વારા જુનાગઢ જિલ્લામાં દારૂના વેચાણ સાથે સંકળાયેલા બુટલેગરો પર તપાસ શરૂ કરી છે, જેમાં રવિવારે બીલખા તાલુકા પોલીસ દ્વારા ૦૫ લાખ ૯૨ હજારથી વધુ રૂપિયાનો ૩,૪૨૫ જેટલી બોટલનો પર પ્રાંતીય દારૂ પકડી પાડવામાં સફળતા મળી છે.
બીલખા પોલીસ સ્ટેશનના પી.આઈ એન.એન.ચુડાસમા એ માધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસને પાછલા કેટલાક દિવસોથી દારૂ અંગેની બાતમી મળી રહી હતી, ક્યાં વિસ્તારમાં દારૂની હેરાફેરી થાય છે, તેવી રીતે બાતમીઓ મળી હતી, જેના આધારે બીલખા પોલીસે સરકારી ખરાબાની જમીનમાં અને જંગલ ઝાડીઓની વચ્ચે દારૂ ઉતારી અને તેને ત્યાં ચોરી છુપીથી રાખવામાં આવ્યો હતો. આ પ્રકારે સરકારી જમીનનો ઉપયોગ કોઈ બુટલેગરો દ્વારા દારૂ છુપાવવામાં કરવામાં આવ્યો હોય તેવી પણ કદાચ જિલ્લાની આ પ્રથમ ઘટના હશે.
મહત્વપૂર્ણ છે કે, બીલખાના ઇન્દિરા નગરમાં રહેતા કૌશિક વાળા, ભગીરથ મોયા અને અજય વાળા આ ત્રણેય બુટલેગરો દ્વારા આ દારૂ મંગાવીને અહીં છુપાવવામાં આવ્યો હતો. હાલ આ ત્રણેય આરોપી પોલીસ પકડથી દૂર છે પરંતુ પોલીસે આ ત્રણેય આરોપી સહિત દારૂ મોકલનાર અન્ય કેટલા વ્યક્તિઓ સામેલ છે તે દીશામાં પણ તપાસ શરૂ કરી છે.










































