ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકાની પણ ચૂંટણી યોજાઈ હતી. બીલીમોરામાં ૯ વોર્ડની ૩૬ બેઠકમાંથી ભાજપે ૨૯ બેઠકો જીતી સત્તા મેળવી છે. પાંચ બેઠક અપક્ષ તો બે બેઠક કોંગ્રેસને મળી છે. પરંતુ બીલીમોરામાં એક અપક્ષ ઉમેદવારે કમાલ કર્યો છે અને આઠમી વખત ચૂંટણી જીતી છે.

જનતા જ્યારે પ્રેમ આપે છે ત્યારે સામાન્ય માણસ પણ આસમાનની બુલંદી પર પહોંચી જાય છે. બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે. જ્યાં સતત જનતા માટે દોડતા અપક્ષ ઉમેદવાર મલંગ કોલીયા સતત આઠમી વાર પાલિકાની ચૂંટણી જીત્યા છે અને ગુજરાતમાં અપક્ષ તરીકે આઠ વાર જીતવાનો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે.

બીલીમોરા નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર મલંગ કોલિયા વર્ષ ૧૯૮૫ થી પાલિકાની ચૂંટણી લડતા આવ્યા છે. જ્યારે પ્રથમવાર મલંગ ચૂંટણી લડ્યા ત્યારે ગુજરાતના સૌથી નાના ઉમેદવાર હોવાની નામના તેમણે મેળવી હતી. મલંગે તેમના પિતાના વારસાને આગળ વધારી અને સતત ૪૦ વર્ષથી બીલીમોરા નગરપાલિકાના નગરસેવક તરીકે સેવા આપી રહ્યા છે. આ વર્ષે પણ મલંગ કોલીયાએ વોર્ડ નંબર ૫ માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ગત ૧૬ ફેબ્રુઆરીએ મતદાન થયું અને આજે મતગણતરી કેન્દ્ર ઉપર ઈફસ્ ખૂલ્યા તો પાલિકાની ૩૬ બેઠકોના ઉમેદવારોમાં સૌથી વધુ ૨૨૦૦ થી વધુ મતો મલંગ કોલિયાના નામે નીકળ્યા હતા.

જેની સાથે જ મલંગભાઈએ ૮ મી વાર જીત પોતાના નામે કરી છે. સતત ૪૦ વર્ષોથી મલંગ બીલીમોરા નગરપાલિકામાં નગરસેવક તરીકે ચૂંટાઈ આવે છે. ગત ટર્મમાં મલંગ કોલિયા વિપક્ષી નેતા તરીકે રહ્યા હતા અને પાલિકામાં અનેક વિવાદિત કામોમાં સવાલો ઉઠાવી તે કામોને પૂર્ણ કરાવવા માટેના પ્રયાસો પણ કર્યા હતા. સાથે જ મલંગ કોઈપણ આપદા સમય ખડે પગે સેવા આપે છે. મલંગની સાધગી અને આ સેવાકીય સ્વભાવને કારણે વોર્ડ નંબર ૫ની જનતા તેમને સતત ચૂંટતી આવી છે.