રેશમ ચીસો પડતી હતી.. ‘મને મૂકી દે રાક્ષસ…’ જવાબમાં ભૈરવદાએ અટ્ટહાસ્‍ય કર્યુઃ ‘તને ? તને મૂકી દઉ ? અરે, તને જોયા પછી તો લાગ્‍યું કે તું માત્ર રેશમ નથી પણ ચોવીસ કેરેટની સોનાની લગડી છો. હવે મને ખબર પડી કે તને પામવાનું જયસિંહમાં આટલું બધુ ઝનૂન કેમ ચડ્‌યું હતું ? પણ વાંક એનો નથી. આ વાંક તો ઉપરવાળાનો કહેવાય. અરે, હું એમ વિચારૂ છું કે તારા ને મારા ગામ વચ્‍ચે ફકત પાંચ ગાઉનો પલ્‍લો. પણ પેલા કાશ્‍મીરી મૃગલાને કયાં ખબર હોય છે કે કસ્‍તુરી તો એની નાભિમાં રહેલી હોય છે છતાં પણ એ દબ-બદર ભટકતો હોય છે ! આજકાલ કરતા મેં ઘણી સ્‍ત્રીઓના આંખના ઝોંકા ઉતાર્યા પણ તારી આંખના ઝોંકાનું ઝેર આવું કાતિલ છે એ તો મને ખબર જ ન હતી.’ રેશમ બંધાયેલી હતી નહિંતર તો એક પાટુ એને ઝીંકી દીધુ હોત. છતાં પણ રેશમને કાળ ચડ્‌યો. ભૈરવદા પર થૂંકી. ભૈરવદાએ ઇશારો કર્યો. ભીમલાએ સરજુના ગળે છરો મૂકયો. સરજૂ ચીસ પાડી ઉઠ્‌યો. રેશમ પણ ચીસ પાડી ઉઠી. ભૂવો હસ્‍યો. એણે રેશમની ઓઢણી ખેંચી કાઢી. પઢિયારો અવળું ફરી ગયા. સરજુ ચીસ પાડી ઉઠ્‌યોઃ ‘મા…’ પણ ભીમલાની એક અવળા હાથની અડબોથે સરજુનું મગજ તમતમી ગયું. અને ભૈરવદાએ રેશમનો કમખો ખેંચ્‍યો. બરાબર એ જ પળે ભડાકો થયો અને ભીમલાની ચીસ નીકળી ગઇ. ભૈરવદા ચોંકયો. તેણે જોયું તો ‘જયસિંહ તું ?’ પણ એટલીવારમાં જયસિંહ નીચે ઉતર્યા. પણ પઢિયારો સતર્ક થઇ ગયા. જયસિંહ નજીક આવ્‍યા એ ભેળી તો ચાર તલવાર એના માથા ઉપર તોળાઇ રહી હતી. એક જણે તલવારનો ઝાટકો મારી દીધો. ‘જોઇ શું રહ્યા છો ? દેવા મંડો એને… ’ભૈરવદા ગર્જ્યો. અને ભીમલાએ સરજુના ગળે છરો ચાંપ્‍યો. રેશમ આ દ્રશ્‍ય જોઇએ ચીખી ઉઠીઃ ‘જયસિંહ મારો સરજુ… જયસિંહે એ જ ઘડીએ ઓસ્‍ટ્રેલિયન બનાવટની છ બોર વાળી પિસ્‍તોલ ઝખ્‍મી હાથે જ મોજામાંથી કાઢી અને ટ્રીગર દબાવી દીધું. ઘડીક વારમાં તો ઘમસાણ મચી ગયું.
સવાર પડી, પંચાયત કચેરીમાં બેઠી બેઠી રેશમ ઇન્સ. જાડેજાને જુબાની લખાવી રહી હતી. ‘ભૈરવની નજર મારા ઉપર કેટલાય સમયથી હતી મને એ ખબર નહોતી કે આવો કારહો ઘડશે પણ અમારી બસ્‍તીમાં એકાએક ઝેરી તાવને લીધે મરણ થવા લાગ્‍યા અને એણે ગોઠવણથી ઘડી કાઢ્યું કે એનું કારણ હું છું અને મારા શરીરમાં ડાકણનો વાસ છે. હું ભાગી છૂટવાની હતી પણ ગામલોકો અને બસ્‍તીને તેણે ઠસાવી દીધું કે આ ભાગી જશે તો તાબે નહી થાય. આને સ્‍મશાનમાં લઇ જવી પડશે. હું બસ્‍તીથી ઘેરાઇ ગઇ અને મને સૌપ્રથમ મઢે લઇ ગયો મેં તેને છોડવા કાકલૂદી કરી .એણે પટાવી કે તે મને નવલખાની ગાળીઓમાં છુટ્ટી મૂકી દેશે નહિતર હવે આ લોકો તને મારી નાખશે. છોકરાને પણ પતાવી દેશે. મોડી રાતે અમને ગાળીઓમાં લઇ તો ગયો પણ ત્‍યાં લઇ ગયા પછી એણે પોતાનું પોત પ્રકાશ્‍યું. હું લૂંટાઇ જાત, પણ તાકડે જ જયુભાને ખબર પડતા મારતે ઘોડે આવ્‍યા અને અમને મા-દીકરાને બચાવી લીધા. દાનબાપુએ સગ્‍ગા દીકરાની વહુ જેમ મને રાખી હતી. અને જયસિંહે પણ અમને એવા જ અદકા હેતથી સાચવ્‍યા છે. આ એમની છત્રછાયા નીચે તો મારા ધણીના મોત પછી સુખચેનથી જીવતા‘તા. સાચું કહું સાહેબ ? ગામની ગીધડા જેવી નજરોએ મને ફોલીને ઠોલી નાખી હોત જો જયુભાના નામનું છતર ન મળ્યું હોત, બીજુ તો શું કહું? જે કંઇ બન્‍યું એની પાછળ માત્ર ને માત્ર મારી આબરુ અને મારા સરજુને બચાવવાને વાસ્‍તે. બાકી, એમની કોઇ અંગત દુશ્‍મની ભૈરવદા સાથે નહોતી. એજ વેળાએ હકડેઠઠ ભરેલી પંચાયત કચેરીની બહાર ભીડમાંથી એકજણ ગરક થઇ ગયું.
જાડેજાએ જયસિંહને જીપમાં બેસાડ્‌યો. એ વેળા જ ગઢનો માણસ મેણસી એક કવર જયસિંહને આપી ગયો. અંદર ચીઠ્ઠી હતી. લખ્‍યું હતુંઃ
જયસિંહ,
રેશમ સાથેના તમારા બેનામ સંબંધથી હું આપણો પતિ-પત્‍નીનો પવિત્ર સંબંધ ખત્‍મ કરુ છું. મારા પેટમાં આપના થકી સાત માસનો ગર્ભ છે. પણ હવે એ બાળકને બાપ તરીકે તમારું નામ દેવા માગતી નથી. અને એની ઉપર તમારો પડછાયો પણ પડવા દેવા માગતી નથી. એને ખબર ન પડવી જોઇએ કે એનો બાપ આવો લંપટ હોઇ શકે. હું ઘર છોડી જઇ રહી છું. આપણા સંબંધનો એક ભવ પૂરો થયો હવે બીજો ભવ બાંધવા માંગતી પણ નથી. એટલે, મને મળવાની કોશિષ ન કરતા કેમકે આપણી વચ્‍ચે હવે કશું જ બચ્યું નથી.
દેવયાની..
હાથમાં કાગળ ફફડતો હતો. જીપ આગળ ચાલી. જયસિંહે બે મિનિટ પુરતી દવાખાને જીપને લઇ લેવા રિકવેસ્‍ટ કરી. જીપ દવાખાને આવી. હાથકડી સમેત જયસિંહ ઉતર્યો. વોર્ડ નંબર આઠમાં બેડ નંબર ચોત્રીસ ઉપર બન્‍ને હાથે પાટા બાંધીને સરજુ સૂતો હતો. જયસિંહ આવીને તેને વ્‍હાલપથી તાકી રહ્યો. અને પછી નીચે ઝૂકયો. સરજૂનું કપાળ ચૂમ્‍યું. અને એ ભેળા જ તેની આંખમાંથી બે ખારા બિંદુ સરજૂના ગાલ પર ખરી પડ્‌યા. બહાર નીકળ્યો ત્‍યારે રેશમ ત્‍યાં ઉભી હતી, તેની વાટ જોઇને ! જયસિંહની અને તેની આંખો મળી. રેશમની આંખમાં આંસુ ધસી આવ્‍યા. એ ભીના કંઠે બોલીઃ ‘જયસિંહ કોઇપણ સૌભાગ્‍યવતી સ્‍ત્રીનો એક ભવ પોતાનો પતિ હોય છે અને એ આયખાના અધવચ્‍ચ પહોંચ્‍યા પહેલા જ એને છોડીને ચાલ્‍યો જાય છે ત્‍યારે એનો એક ભવ પૂરો થઇ જાય છે. પછી તો બીજો ભવ માત્ર એને અક્ષત આબરુના નામનો હોય છે. ટાંકણે તમે ન પહોંચ્‍યા હોત તો બીજો ભવ પણ હું ધરી બેઠી હોત. આજે એ બીજો ભવ તમારે નામ લખી દઉ છું.‘‘
“પણ એ હવે કશું જ મારા ખપનું નથી. કારણ કે હું તો બેય ભવ હારી ગયો છું. રેશમ!!!” કહેતા એણે કોન્‍સ્‍ટેબલને આગળ કરીને કહ્યુંઃ ‘ચાલો જમાદાર, બહુ મોડું થઇ ગયું !!!!’