મેરીયો થરથરી ઉઠ્યો. બે હાથ જોડીને બોલ્યોઃ ‘હું મારા ગુરૂભાઇને વાત કરૂ છું. ભૈરવદા‘એ મસાણની મેલડી સાધી છે. થઇ થાવાની કહી દે છે. એણે કૈંકના વાંજીયા મેણા ભાંગ્યા છે. એકવાર એની આંખ જેના ઉપર પડી, ઇ જણ બકરી બનીને ખીલે આવી ગયું જ સમજો ! પણ એના માટે થોડોક સમય આપો બાપુ.’
‘આપ્યો‘ જયસિંહે કહ્યું, ‘પંદર દિવસ ? મહિનો ? બે મહિના ?’
‘મોકાની વાટ, મોકો મળે એટલે પુરૂ.’
એ જ દરમિયાન બસ્તીમાં એક છોકરો મરી ગયો. બીજે દિવસે એક બીજા યુવાનનું મોત, ત્રીજે દિવસે બે દિકરાનો જુવાન બાપ ગયો. ચોથે દિવસે ત્રેવીસ વરસની સ્ત્રી પાછળ વલવલતા બે બાળકો મૂકી ચાલી નીકળી. વસ્તીમાં હામાકાર મચી ગયો. મેરીયાએ વસ્તીમાં જઇને કહ્યુ કે, ‘તમારી જ વસ્તીમાં એક ડાકણ રહેવા આવી છે. એની નજર જેની ઉપર પડે, ખેલ ખતમ ! એ ડાકણને તગેડવી પડશે કારણ કે, એ રેશમના શરીરમાં બેઠી છે.’ બસ્તીમાં હલ્લો મચી ગયોઃ ‘કાઢો… કાઢો… ડાકણને કાઢો..’ રેશમની પડખેના ઝૂંપડામાં રહેતા વેલજી ભગતે કહ્યુંઃ ‘રેશમ, ભાગી જા. નહિતર આ પ્રજા તને અને તારા દીકરાને મુકશે નહી.’ રેશમ ફફડી ઉઠી. તેણે બચકો બાંધ્યો. રાત પડે ને અંધારામાં ઓગળી જવાનો મનસૂબો ઘડ્યો પણ બસ્તીએ એનું ઝૂંપડુ ઘેરી લીધું.
નકકી કરી લીધુ હતુંઃ રેશમને સ્મશાને લઇ જવાનું. રેશમને સાંકળે બાંધી. સરજુ ચિલ્લાતો રહ્યો. કોઇએ કહ્યુંઃ ‘આ તારી મા નથી પણ ડાકણ છે ડાકણ ! આને આજ રાતે તગેડવાની છે.’ બસ્તીવાળા હલ્લો મચાવતા રહ્યાઃ ડાકણને કાઢો, હત્યારીને તગેડો. જોરૂભાએ વાડીએ આવીને જયસિંહને કહ્યુંઃ ‘તખ્તો તૈયાર છે. ભેરવદા એકલો રેશમને લઇને મસાણે બેસવાનો છે. ડાકડમરૂ વાગશે. રેશમના શરીરમાં વાસ કરી ગયેલી ડાકણને દારૂ પાશે. બેભાન થઇ જાય પછી બાકીની વિધિના હકદાર તમે.’ આ બધા મેસેજ મેરીયાએ આપ્યા. જયસિંહ ખડખડાટ હસ્યો..
‘ઘૂંઘટો ખોલ.. ‘
ભૈરવદાએ ત્રાડ પાડીને કહ્યુઃ ‘બોલ, તું કોણ છે ?’ મરચાનું ધૂમડિયુ સરખું કરતા કરતા બેધ્યાનપણે ભૈરવદાએ ત્રાડ પાડી, ‘લીંબડાવાળી છો ? વડવાળી છો ? કે સાત કોશિયાવાળી ? હા, તું ગમે તે હો, આજ તને તગેડ્યા વગર નહી મૂકું.’
‘હું રેશમ છું ભુવા.. રેશમ… !’ રેશમે ઘૂંઘટો ઉંચો કર્યો. જાણે રૂપાની ઘંટડી વાગી. ભૈરવદા તેના છુટ્ટા ઘેઘૂર કેશકલાપ આડેથી ડોકાતા ગોરા ગોળચટ્ટા નમણા મુખારવિંદને તાકી રહ્યો. અરે… તેનું હ્રદય ધબકારો ચૂકી ગયું. આ પુરાની બસ્તીની કોઇ સ્ત્રી હતી કે પિકચરની કોઇ હીરોઇન ? ભૈરવદા તેની કાળી આંખોમાં ડૂબી ગયો. જો કે, રેશમની આંખોનું ઉંડાણ જ એવું કામણગારૂ હતું. રેશમે તેનું મોઢુ નજીક લાવીને કહ્યુંઃ ‘બસ્તીના છોકરા મરી જાય છે એમાં મારો કોઇ વાંક નથી ભૂવા..’ રેશમના ગરમ ગરમ શ્વાસ ભૂવાના ગાલ ઉપર સ્પર્શ્યા. રેશમ બોલતી હતી, ‘હું એક સ્ત્રી છું. મારામાં ડાકણનો વાસ હોય તો હું મારા જ છોકરાને ભરખી જાઉ. !’
ભૈરવદા મનમાં જ બોલ્યોઃ ‘ હા, રેશમ વાંક તારો નથી પણ વાંક તારા રૂપનો છે.’ એ તરત જ મઢના બીજા રૂમમાં ગયો. એનો ખાસ પઢિયાર ભીગલો દારૂ ઢીંચતા ઢીંચતા સાંકળ તૈયાર કરતો હતો. ‘ભીમલા – ભૈરવદા‘એ તેને ભાનમાં આણ્યો ‘ આ તારી સગલી ડાકણ નથી પણ રતિ છે સાક્ષાત રતિ ! અને હવે.. આખો માંચડો બદલવો પડશે. તુ એવો કાંઇક કારહો ગોઠવ કે સાંપ મરે નહિ લાઠી ભાંગે નહી આપણે રાત્રે બાર વાગ્યે સ્મશાને નહી પણ નવલખા ડુંગરની ગાળીમાં આને લઇ જવાની છે. આ રતિ મારા હાથમાંથી છટકવી ન જોઇએ. તું સમજ્યો ?’ જવાબમાં ભીમલો પઢિયાર થોડામાં ઘણુ સમજી ગયો. ભૈરવદા રૂમમાં આવ્યો. રેશમ બેઠી હતી. મઢની બહાર વસ્તીનું ટોળુ હો હા કરતું હતું. ભૈરવદાએ એની આંખમાં આંખ પરોવીને કહ્યુઃ ‘ તું અને તારો દીકરો સાબદા રહેજો. નહિતર આ લોકો તને જીવતી નહીં છોડે. અમે તને સ્મશાને નહી, નવલખાની ગાળીઓમાં મૂકી જઇએ છીએ. ત્યાંથી તમે છટકી શકશો. બહાર તો દેકારો છે. રાત્રે બાર વાગ્યા પછી બધુ મોળુ પડશે. સમજી ? ત્યાં લગીમાં તારા દીકરાને ય બોલાવી લઇએ…’ રેશમે પાંપણો ઝૂકાવી. ભૈરવદાએ તેના ગાલને થપથપાવ્યો. રેશમની આંખમાંથી આંસુ ટપક્યા.
આજની રાત બિકાળવી હતી. જયસિંહ જોરૂભાની મીઠી રાહ જોતો હતો. એ ક્યારે બોલાવવા આવે. જયસિંહે ફાર્મહાઉસના ઓરડાને અદકા હેતે શણગાર્યો હતો.
ચિબરી બોલી, મોરે પાંખો ફફડાવી. તમરાના ઝમઝમ અવાજ કૈંક અંશે આ રાતના ભેદને પામવા મથી રહ્યા હતા. વીજળીના તીવ્ર ચમકારા અને પછી ગગનભેદી કડાકા. જયસિંહે થ્રીએકસ રમ ગ્લાસમાં રેડ્યો. કોરેકોરા બે ઘૂંટ પીધા અને વંખુભર વડલાને તાકી રહ્યો. વડલો, સમાધિસ્થ જોગંદર જેવો લાગ્યો. જયસિંહ અજીબ નજરથી તેને તાકી રહ્યો. જોગંદરે જાણે આંખો ખોલી. જયસિંહ ચમકી ઉઠ્યો. જોગંદરનો ઉંડે ઉંડેથી અવાજ આવ્યો.
‘ જયસિંહ ચીલો ચાતરીશ નહિ, મરજાદ મૂકીશ નહી. તારા બાપના સંસ્કારને લજવીશ નહી. જીવતરમાં એક ડાઘ પડી ગયો, કદિ ભૂંસાશે નહી.
કયાંકથી ઘૂંવડ બોલ્યું. એની ભાષા કશુંક કહેતી હતી. આજે આ શું થાય છે ? નબળા વિચારોને હડસેલવા તેને ઘણા પ્રયત્નો કર્યા પણ એ તો જળોની પેઠે…
અચાનક ઘોડાના ડાબલાનો અવાજ આવ્યો. જોરૂભા શ્વાસભર્યો દોડતો આવ્યોઃ ‘જયસિંહ ભારે કરી. ભૈરવદા અને એની પાંચ પઢિયારની ગેંગ રેશમને ઉપાડી ગઇ.’
‘કયાં ?’ જયસિંહ સમૂળગો ખેંચાઇ આવ્ય્ા.
‘વાવડ છે ત્યાં સુધી નવલખાની ગાળીઓમાં.’
‘પણ એ તો અહીં મસાણે આવવાનો હતો ને?’
‘હા… પણ એની દાઢ ડળકી છે રેશમ ઉપર.. અને વાવડ પાક્કા છે.’
પણ જોરૂભાનું બોલવું પુરૂ થાય એ પહેલા તો ખંભે બેનાળી, હોલબુટની નીચે એક પટે જમૈયો અને બીજા પગના મોજાની અંદર પિસ્તોલ છૂપાવી જયસિંહ પોતાની રોઝી ઘોડી ઉપર ઠેકડો મારીને ચડી બેઠો અને ભાગ્યો. (ક્રમશઃ)










































