અમરેલી જિલ્લામાં મહિલાઓ પર અત્યાચારના કિસ્સા સતત વધી રહ્યા છે. હાલ ખાંભાના અનીડા ગામે રહેતી એક પરિણીતાએ બીજી પુત્રીને જન્મ આપતાં સાસરિયાએ અસલી મિજાજ બતાવ્યો હતો. તારા પેટમાં પાપ છે એટલે બીજી પુત્રી જન્મી તેમ કહી મેણાંટોણાં મારી ગાળો આપી હતી. દીયરે ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો, જ્યારે પતિએ જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે હર્ષાબેન રસીકભાઈ દાફડા (ઉ.વ.૨૯)એ હાલ અમદાવાદના નારોલમાં રહેતા મૂળ બાબરાના ગમા પીપળીયા ગામના પતિ વિપુલભાઇ દેવજીભાઇ સોહલીયા, સસરા દેવજીભાઇ આાલાભાઇ સોહલીયા, સાસુ શારદાબેન દેવજીભાઇ સોહલીયા, દીયર હર્ષદભાઇ દેવજીભાઇ સોલહીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે બીજી પુત્રીને જન્મ આપતાં સાસરિયાને સારું નહોતું લાગ્યું અને તારા પેટમાં પાપ છે એટલે બીજી પુત્રીનો જન્મ થયો તેમ કહી મેણાંટોણાં મારી ગાળો બોલતા હતા. ઉપરાંત પતિ તથા દીયરે ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો તેમજ પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભીમભાઈ સી. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.