ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસન (૪૨ રન પર ૫ વિકેટ) ની આગેવાનીમાં પોતાના બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની એશિઝ સિરીઝની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૨૭૫ રને કારમો પરાજય આપ્યો છે. એડિલેડના ઓવલ મેદાન પર રમાયેલી આ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં પાંચમાં અને અંતિમ દિવસે સોમવારે ઈંગ્લેન્ડની ટીમ ૪૬૮ રનના લક્ષ્યના જવાબમાં ૧૯૨ રન બનાવી શકી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની સિરીઝમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૯ વિકેટે પરાજય આપ્યો હતો. હવે બંને ટીમ વચ્ચે ૨૬ ડિસેમ્બરથી મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ રમાશે.
ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટની પ્રથમ ઈનિંગ ૯ વિકેટ પર ૪૭૩ રને ડિકલેર કરી હતી. ત્યારબાદ તેણે ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં ૨૩૬ રનમાં ધરાશાયી કરી દીધુ હતું. યજમાન ટીમે ફરી ૯ વિકેટે ૨૩૦ રન બનાવી પોતાની બીજી ઈનિંગ ડિકલેર કરી હતી અને ઈંગ્લેન્ડ સામે ૪૬૮ રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ તેના જવાબમાં ૧૯૨ રન બનાવી શકી અને તેણે ૨૭૫ રનથી હારનો સામનો કરવો પડ્યો છે. માર્નસ લાબુશેનને તેની શાનદાર ઈનિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. લાબુશેને પ્રથમ ઈનિંગમાં ૧૦૩ અને બીજી ઈનિંગમાં ૫૧ રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે ૯૭ બોલ પર સાત ચોગ્ગાની મદદથી સર્વાધિક ૪૪ રન બનાવ્યા હતા. જોસ બટલરે ૨૦૭ બોલનો સામનો કરતા ૨૬ રન બનાવ્યા હતા. તે હિટવિકેટ આઉટ થયો હતો. આ સિવાય બેન સ્ટોક્સે ૭૭ બોલમાં ૧૨ રન, ઓલી રોબિન્સને ૩૯ બોલમાં ૮ રન અને બ્રોડે ૩૧ બોલમાં ૯ રન બનાવ્યા હતા. રિચર્ડસને અંતિમ બેટર જેમ્સ એન્ડરનને બે રન પર આઉટ કરી પોતાની પાંચમી વિકેટ ઝડપી હતી. રિચર્ડસને કરિયરમાં પ્રથમવાર પાંચ વિકેટ ઝડપી છે.