ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે સતત વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વિના રદ્દ કરવામાં આવ્યો હતો. સવારે હળવા ઝરમર વરસાદ બાદ ભારે વરસાદ શરૂ થયો હતો જેના કારણે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બીજા દિવસે કોઈ રમત રમાઈ શકી ન હતી.
પ્રથમ દિવસે પણ વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હતી અને ૩૫ ઓવરની રમત બાદ વરસાદના કારણે આગળની રમત રદ કરવી પડી હતી. આ પહેલા ૨૦૧૫માં આવું બન્યું હતું, જ્યારે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં આખો દિવસ રમી શકાયો નહોતો.
૨૦૧૫માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં વરસાદના કારણે મેચ ડ્રો રહી હતી. બેંગલુરુમાં રમાયેલી મેચમાં ભારતીય કેપ્ટને ત્યાં પણ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આફ્રિકાએ પ્રથમ દાવમાં ૫૯ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૨૧૪ રન બનાવ્યા હતા. ભારતે ૨૨ ઓવરમાં ૮૦ રન બનાવ્યા હતા પરંતુ તે પછી મેચ ડ્રો જાહેર કરવી પડી હતી.
ભારત વિ બાંગ્લાદેશ મેચ વિશે વાત કરીએ તો, બીજા દિવસે ૧૧ઃ૧૫ આસપાસ વરસાદ બંધ થયો ત્યારે ગ્રાઉન્ડસમેને ત્રણ સુપર સોપર લગાવ્યા. પ્રકાશ પણ સ્પષ્ટ ન હતો તેથી રમત સત્તાવાર રીતે ૨ઃ૧૫ વાગ્યે રદ કરવી પડી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે પણ વરસાદની સંભાવના છે પરંતુ સોમવાર અને મંગળવારે આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના છે. આવી સ્થિતિમાં મેચ ડ્રો તરફ જતી જાવા મળી રહી છે.પ્રથમ દિવસે બાંગ્લાદેશે ત્રણ વિકેટે ૧૦૭ રન બનાવ્યા હતા જ્યારે વરસાદના કારણે માત્ર ૩૫ ઓવર જ થઈ શકી હતી. ભારતીય ઝડપી બોલર આકાશ દીપે બાંગ્લાદેશના ઓપનર ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામને આઉટ કર્યા હતા જ્યારે રવિચંદ્રન અશ્વીને કેપ્ટન નઝમુલ હુસેન શાંતોની વિકેટ લીધી હતી. ભારત પ્રથમ ટેસ્ટ ૨૮૦ રને જીતીને બે મેચની શ્રેણીમાં ૧-૦થી આગળ છે.