વિનોબા ભાવે કહે છે કે “હું ચારેય વર્ણનો વ્યક્તિ છું”. એટલે જાત-પાત ભૂલી સેવાકીય કાર્યો કરવામાં જ ઈશ્વરની આરાધના રહેલી છે. જનસેવા એ જ પ્રભુસેવાના ચરિતાર્થને સાકાર અને આકાર કરવાનું કાર્ય સમાજમાં પ્રતિષ્ઠિત અને સમાજસેવી લોકો દ્વારા થતું હોય છે. આ જીવન નાશવંત છે, એક દિવસ યમરાજા લેવા આવવાના છે એવી ખબર હોવા છતાં ભૌતિકવાદ અને સંપત્તિવાદમાંથી બહાર નીકળવાનું મન જ થતું નથી. વિશ્વવિજેતા બનવા નીકળેલા સિકંદર ખાલી હાથે ઉપર ગયા.સંસારની મોહમાયા મારું-તારું, ભ્રષ્ટાચાર, દ્વેષ, પ્રપંચ, કાવાદાવા અને અનીતિના માર્ગે પ્રાપ્ત કરેલું દ્રવ્યનો એક દિવસ નાશ થવાનો છે. આજે તો રસ્તા ઉપર કોઈકને અકસ્માત થયો હોય તો તેને હોસ્પિટલ પહોંચાડવાનો સમય હોતો નથી. ‘મારે શું? કરે એ ભોગવે’ આવી સુફીયાણી વાતો કરનારા સુધરેલા લોકો અસંખ્ય છે.
હિન્દુ ધર્મમાં માનવતા કેન્દ્રસ્થાને છે. ધર્મનું મુખ્ય મૂળ માનવતાની જ્યોત પ્રગટાવવાનું છે. એરિસ્ટોટલે કહ્યું છે કે માનવી સામાજિક પ્રાણી છે. સમાજમાં રહે છે તેનો સર્વાંગી વિકાસ થાય છે. એકબીજાની જરૂરિયાત પરિપૂર્ણ કરવા માટે પ્રયાસ કરે છે ત્યારે સમાજ નિર્માણ થાય છે. સમાજમાં વ્યાધિ, ઉપાધિ અને ઉપલબ્ધિ પણ હોવાની એવા સમયે બીજા વ્યક્તિઓને કઈ રીતે ઉપયોગી બની શકીએ તે જ સૌથી મોટી કેળવણી છે. નાનાભાઈ ભટ્ટે કહ્યું છે કે શિક્ષણનું મુખ્ય કાર્ય બાળકોને ઘડવાની સાથે સાથે સાથે કેળવવાનું છે. આજે ઘણી બધી સંસ્થાઓ જનસેવાના માર્ગે કાર્ય કરે છે. કુદરતી આપત્તિ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જનસેવા અને માનવ સમુદાયની પડખે ઉભો રહીને મદદ કરે છે. ફૂટ પેકેટ હોય કે કાદવ કિચડની સફાઈ હોય, સેવાકીય પ્રવૃત્તિ સમાજે જોઈ છે. આરોગ્ય અને મેડિકલ સારવાર પ્રાપ્ત થાય તેવી સેવાકીય પ્રવૃત્તિઓ સંઘ દ્વારા નિરંતર થતી હોય છે. પોતાના માટે તો બધા કરે પરંતુ બીજા માટે ઘસાવાની અને ત્યાગ કરવાની ભાવના એ જ સૌથી મોટો કર્મયોગ છે. સરદાર પટેલે પ્રથમ વડાપ્રધાન પદ ત્યજીને અખંડ ભારતનું સર્જન કર્યું. આજે તો ભાઈ અને બહેન બસમાં મુસાફરી કરતા હોય ત્યારે ભાઈ બહેનની ટિકિટ લેતો નથી અને બંને અલગ અલગ ટિકિટ લઈને મુસાફરી કરતા લોહીના સંબંધીઓને સમાજે જોયા છે.
મારું મારું આગવું અને તારામાં મારો ભાગ આવી વ્યવસ્થાનો જન્મદાતા ભૌતિકવાદ છે. પ્રેમમાં પણ એવું જ થયું છે. સગવડીયો પ્રેમ શોધતા પાખંડી લોકો પ્રેમ શબ્દ ઉપર કલંક છે. પ્રેમ તો આપવાની અને આત્માના અવાજને ગુંજન અને લાગણીઓના પ્રવાહને વ્યાપક બનાવવાનું કાર્ય કરે છે. પારિવારિક ભાવનાનો પ્રેમ આત્મીયતાનો સ્નેહ સ્થાપી શકે છે. માણસાઈના દીવા જીવંત રાખવા હોય તો સમજણ શક્તિમાં સામર્થ્ય કેળવવું પડશે. આજે સમજણ શક્તિની ઉણપના કારણે કેટલાક પરિવારો બરબાદ થઈ ગયા છે. અહમથી અનેક ઘરો તૂટી રહ્યા છે. સાસુ-સસરા ગમતા નથી, અલગ રહેવું છે. આદર્શ ભાવ વગર સમાજની વ્યવસ્થા વ્યાપક બની શકતી નથી. સમાજની ગતિ ત્યારે જ વ્યાપક બની શકે છે જ્યારે એકબીજાની સમજણ શક્તિ વ્યાપક હોય સાથે સાથે એકરૂપ બનવી જરૂરી છે. મંદિર, મહાદેવ કે ચર્ચ વગેરેમાં માથા કૂટવાથી સુખ પ્રાપ્ત નહીં થાય. સુખ મેળવવું હશે તો પરિવારની વ્યક્તિઓને ખુશ રાખવા પડશે. ત્યાગ અને સેવા આ એવા બે માર્ગો છે જેમાં હંમેશા નંદનવન હોય છે. માનવતા મરી પરવારી હોય ત્યારે માનવી લાશવંત છે. કરુણા અને સેવાકીય ભાવનાનું ઝરણું નિરંતર તમારા હૃદયમાં વહેવું જોઈએ. બંદૂકમાંથી નીકળેલી ગોળી જ્યારે કોઈને જાતિ અને જ્ઞાતિ પૂછતી નથી, એવું જ ત્યાગમાં અને સેવામાં રહેલું છે. માનવ તું તારા અંતરાત્માને જાગ્રત કરજે. આ પૃથ્વી ઉપર જન્મ મળવો એ જ ઈશ્વરનો આભાર છે. તો શા માટે ત્યાગ અને સેવાની ભાવના ના રાખીએ? ડો. ઉષાબેન ભટ્ટ હંમેશા કહેતા હતા કે સમજણમાં સુખ છે. સુખ એટલે પથારીમાં પડતાની સાથે ઊંઘ આવી જાય તેનું નામ સુખ. ભ્રમણા અને તનાવ વચ્ચે જીવનની નાવ અટવાયેલી હોય છે. બીજાની સેવા કરવામાં જ પ્રભુ પ્રસાદ રહેલો છે એવું હું અંગત માનું છું. કેટલાક લોકો આપણો ઉપયોગ કરતા હોય છે ત્યારે ભગવાન તેમનો ન્યાય કરશે. આટલા વાક્યમાં સમજશો તો બધું જ સમજાઈ જશે. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨