ઉત્તર ઝોનમાં મેમ્કો ખાતે રાજીવ ગાંધી ભવનની સામે બીઆરટીએસ બસ સ્ટેન્ડની મરામતનું કામ ચાલી રહ્યું છે. જે તે સમયે એક કરોડના ખર્ચે બીઆરટીએસ બસ સ્ટેન્ડ બન્યા હોવાનો મામલો ભારે વિવાદમાં રહ્યો હતો. ગણતરીના વર્ષોમાં જ આ બસ સ્ટેન્ડો કાટમાળમાં ફેરવાઇ પણ ગયા ! હવે તેના રિનોવેશનના નામે લાખો રૂપિયાનું આંધણ કરાઇ રહ્યું છે. આ જોઇ શહેરીજનો પણ મનમાં વિચારી રહ્યા છેકે ‘કોના બાપની દિવાળી’, જનતાના ટેક્સના પૈસાથી ખેલ થઇ રહ્યા છે જોયા કરો.
અમદાવાદમાં બીઆરટીએસ પ્રોજેક્ટ ‘સફેદ હાથી ‘સાબિત થયો છે. મ્યુનિ.કોર્પોરેશનના ૫૦૦ કરોડથી પણ વધુના આંધણ બાદ પણ જનપરિવહનની આ સેવા લોકપ્રિય, લોકઉપયોગી બની શકી નથી. ૨૭૫ એસી બસો, રોજના ૧.૬૦ લાખ મુસાફરો અને ૧૦૧ કિ.મી.નો ઓપરેશનલ રૂટ છતાંય આ બસ સેવા અમદાવાદમાં સફળ રહી નથી.
કોટ વિસ્તાર, નરોલથી નરોડાનો રૂટ, કાલુપુરથી એલિસબ્રિજનો રૂટ સહિતના સાંકળા રૂટોએ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધારી મૂકી છે. બીઆરટીએસ કોરડોરના બસ સ્ટેન્ડો તૂટેલી હાલતમાં પડયા છે. બસ સ્ટેન્ડો જર્જરિત બની ગયા છે, રોડ તૂટી ગયા છે, ખોદકામના કારણે અનેક રૂટો બંધ પડયા છે. રેલિંગો તૂટી ગઇ છે, રેલિંગના સળિયા જોખમી રીતે વળેલા હોવાથી અકસ્માતનો ભય છે. બીજી બાજુ આ રૂટ પર સૌથી વધુ અકસ્માતો થઇ રહ્યા છે.
પીક અવર્સમાં આ રૂટની બંને સાઇડના રોડ ટ્રાફિકથી ભરચક રહે છે જ્યારે ખુલ્લો પડેલો આ રૂટ સત્તાધીશોની અણઆવડતની ચાળી ખાઇ રહ્યો છે. હમણા નવી આવેલી ઇલેક્ટ્રીક બસો વારંવાર ખોટકાઇ રહી છે, મુસાફરો અધવચ્ચે રઝળતા થઇ જોય છે.
શહેરમાં મોટાભાગના બીઆરટીએસ રૂટો બિસ્માર હાલતમાં ફેરવાયા છે. કરોડોના ખર્ચે બનેલા આ બસ સ્ટેન્ડો કાળા ડામર જેવા લાગી રહ્યા છે. કાચ તૂટી ગયા છે, છત ઉખડી ગઇ છે. સિગ્નલ સિસ્ટમ ચાલતી નથી. આ સમસ્યા શહેરીજનો વેઠી રહ્યા છે.