બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા તેજસ્વી યાદવને મોટો ઝટકો લાગ્યો છે. નવાદાથી આરજેડી ધારાસભ્ય વિભા દેવી અને રાજૌલીથી આરજેડી ધારાસભ્ય પ્રકાશ વીરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિભા દેવી શક્તિશાળી ધારાસભ્ય રાજવલ્લભ યાદવના પત્ની છે, જેમને તાજેતરમાં બળાત્કારના આરોપમાં લાંબી સજા ભોગવીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.થોડા દિવસો પહેલા, ગયામાં આરજેડી ધારાસભ્યો વિભા દેવી અને પ્રકાશ વીર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર જાવા મળ્યા હતા. ત્યારથી, અટકળો ચાલી રહી છે કે આ બંને નેતાઓ આરજેડી છોડી શકે છે.તેજશ્વી યાદવે જેડીયુના ભૂતપૂર્વ ધારાસભ્ય કૌશલ યાદવ અને તેમની પત્ની પૂર્ણિમા યાદવને આરજેડીમાં સામેલ કર્યા હતા. ત્યારથી, રાજવલ્લભ યાદવના પરિવારનું લાલુ પરિવારથી અંતર વધ્યું છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં પણ તેજસ્વી યાદવે રાજવલ્લભ યાદવના ભાઈ વિનોદને ટિકિટ આપી ન હતી, જેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.તેજસ્વી યાદવ  મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે દિલ્હી આવી રહ્યા છે. તેઓ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. તેજસ્વી યાદવની સાથે તેમના પિતા લાલુ પ્રસાદ યાદવ અને માતા રાબડી દેવી પણ વિમાન દ્વારા આવી રહ્યા છે.