આ વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. બધા રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે ભારતીય ચૂંટણી પંચે પણ બિહારમાં આગામી ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચ રાજ્યમાં ૨૦૦ થી વધુ બૂથ લેવલ એજન્ટોને તાલીમ આપી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે બૂથ લેવલ એજન્ટો દિલ્હીમાં ઈન્ડીયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ ખાતે રાષ્ટ્રીય સ્તરના તાલીમ કાર્યક્રમમાં ભાગ લેશે.
તમને જણાવી દઈએ કે બિહારની વર્તમાન નીતિશ સરકારનો કાર્યકાળ ૨૩ નવેમ્બર ૨૦૨૦ થી શરૂ થયો હતો.એનડીએની નીતિશ સરકારનો કાર્યકાળ આ વર્ષે ૨૨ નવેમ્બર ૨૦૨૫ સુધીનો છે. સ્વાભાવિક છે કે આ પહેલા ચૂંટણીઓ યોજાશે. એવું માનવામાં આવે છે કે આચારસંહિતા સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે લાગુ થશે. એવું પણ માનવામાં આવે છે કે મતદાન અને મતગણતરી ઓક્ટોબર અને નવેમ્બરના પહેલા અઠવાડિયા વચ્ચે પૂર્ણ થઈ શકે છે. ચૂંટણીની તારીખો અંગે અંતિમ નિર્ણય ચૂંટણી પંચ લેશે.
૨૦૨૦ ની વાત કરીએ તો, તે દરમિયાન બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણીઓ યોજોઇ હતી. પ્રથમ તબક્કામાં, ૨૮ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ ૭૧ વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. બીજા તબક્કામાં, ૩ નવેમ્બરના રોજ ૯૪ વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. ત્રીજા અને અંતિમ તબક્કા માટે, ૭ નવેમ્બરના રોજ ૭૮ વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. મતગણતરી ૧૦ નવેમ્બર ૨૦૨૦ ના રોજ થઈ હતી.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે રાજકીય અને વહીવટી તૈયારીઓ પણ વેગ પકડી રહી છે. એક તરફ, તમામ રાજકીય પક્ષો વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ બનાવી રહ્યા છે અને તે રણનીતિને જમીની સ્તરે લાગુ કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, વહીવટી તૈયારીઓએ વેગ પકડ્યો છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીના પુરવઠા માટે ટેન્ડર પણ પ્રકાશિત થઈ ગયું છે. જ્યારે ઓછી ટકાવારી ધરાવતા મતદાન મથકો પર મતદાનની ટકાવારી વધારવા માટે ટૂંક સમયમાં શ્રેણીબદ્ધ બેઠકો શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.














































