ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડયો હતો. બિહારમાં વરસાદી ઘટનાઓમાં ૧૯ લોકોનાં મોત થયા હતા. ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી એક મહિલાનું મોત થયું હતું. મણિપુરમાં રેલવે સાઈટમાં થયેલા ભૂસ્ખલનમાં વધુ નવ મૃતદેહો મળતા મૃત્યુઆંક વધીને ૨૯ થયો છે. હજુ પણ ૩૪ લોકો લાપતા છે. એ જ વિસ્તારમાં ભૂસ્ખલનની વધુ એક ઘટના પણ બની હતી. હવામાન વિભાગના અહેવાલમાં કહેવાયું હતું કે આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસું દેશભરમાં ફરી વળશે. બધા જ રાજ્યોમાં એક સપ્તાહ સુધી સારો એવો વરસાદ નોંધાશે.
ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડતાં જનજીવન ખોરવાયું હતું. બિહારમાં અતિભારે વરસાદના કારણે નદીઓ બેફામ બની હતી. બિહારમાં ડૂબી જવાથી ૧૦ લોકોનાં મોત થયા હતા. વીજળી પડવા સહિતની અન્ય વરસાદી ઘટનાઓમાં વધુ ૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં વરસાદી ઘટનાઓમાં ૧૯નાં મોત થયા હતા. ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાની ઘટનાઓ બની હતી, જેમાં બલિયા જિલ્લામાં એક મહિલાનું મોત થયું હતું. પાટનગર દિલ્હીમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થયું હતું. શહેરમાં કેટલાય રસ્તા પાણી ભરાઈ જવાના કારણે બંધ રહ્યા હતા. હિમાચલ પ્રદેશના કેટલાય જિલ્લાઓમાં યલ્લો એલર્ટ જોરી કરાયો છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે દક્ષિણ-પશ્ચિમી ચોમાસું ભારતના બાકીના રાજ્યોમાં પણ બે-ત્રણ દિવસમાં પહોંચી જશે. આવતા સપ્તાહમાં ભારતભરમાં સારો એવો વરસાદ પડશે. ઉત્તર ભારતમાં વરસાદની સ્થિતિ એકાદ સપ્તાહ સુધી યથાવત રહેશે. લુધિયાણામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. પંજોબના અન્ય શહેરોમાં પણ બેથી ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.
મુંબઈમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. અસંખ્ય રસ્તા પાણી ભરાતા બંધ રહ્યા હતા અને શહેરીજનોના વાહનો અધવચ્ચે અટવાઈ ગયા હતા. આખો દિવસ મુંબઈમાં વરસાદ પડયો હતો. જનજીવન પ્રભાવિત થયું હતું અને કેટલીય ઓફિસો બંધ રાખવી પડી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દિવસ દરમિયાન કેટલાક સ્થળોએ સાતથી આઠ ઈંચ વરસાદ પડયો હતો.
મણિપુરના નોની જિલ્લામાં રેલવે સાઈટમાં ભૂસ્ખલન થયું હતું. એ ઘટનામાં વધુ નવ મૃતદેહો મળી આવ્યા હતા, જેમાં પાંચ ટેરિટોરિયલ આર્મીના જવાનોના હતા. કુલ મૃત્યુ આંક ૨૯ થયો છે. હજુય ૩૪ લોકો લાપતા છે. ગુમ થયેલાઓમાં ટેરિટોરિયલ આર્મીના જવાનોનો પણ સમાવેશ થાય છે. સતત વરસાદના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં અવરોધ આવ્યો હતો. મણિપુરના નોની જિલ્લામાં જ વધુ એક ભૂસ્ખલનની ઘટના બની હતી. જે સ્થળે અગાઉ ભૂસ્ખલન થયું હતું તેની નજીકમાં બીજી ઘટના બનતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. આસામમાં પૂરની સ્થિતિ વધુ વિકટ બનતી જોય છે. ૩૩થી ૩૫ લાખ લોકો પૂરપ્રભાવિત થયા છે. પૂરપ્રકોપથી મૃત્યુઆાંક ૧૭૩ થઈ ચૂક્યો છે. ૩૦ જિલ્લાના અનેક ગામડાં પૂરપ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્ર, બેકી, કોપિલી, બરાક અને કુશિયારા જેવી નદીઓ ગાંડીતૂર બની છે.
આસામના કછાર જિલ્લામાં બરાક નદી પર આવેલો બંધ તોડવાના આરોપમાં એકની ધરપકડ થઈ હતી. બંધ તૂટવાના કારણે સિલચરમાં ભારે તબાહી સર્જાઈ હતી. અનેક લોકો ડૂબી ગયા હતા અને શહેરમાં જળબંબાકાર સર્જાયો હતો. આ ઘટનામાં છ આરોપીઓની ઓળખ થઈ છે. એમાંથી કાબુલ ખાન નામના એક આરોપીની પૂછપરછ થઈ હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. વિડિયોમાં તેનો અવાજ ઓળખી લેવાયો હતો અને ત્યારબાદ કાર્યવાહી થઈ હતી. આરોપીએ બંધ તૂટવાનો એક વિડિયો બનાવ્યો હતો.
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા એ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમણે આ વિડિયો લોકોને બતાવ્યો હતો. એમાંથી આરોપીનો અવાજ ઓળખાયો હતો. સરકારી અધિકારીઓનો આરોપ છે કે બરાક નદી પર આવેલો બંધ લોકોએ તોડયો હોવાથી સિલચરમાં પૂરપ્રકોપ થયો હતો. સરકારી અધિકારીઓએ આ પૂરને માનવસર્જિત ગણાવ્યો હતો. જોકે, કેટલાક લોકોએ ડેમ પહેલાંથી ક્ષતિગ્રસ્ત હોવાનું પણ કહ્યું હતું. આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.