બિહારમાં ચૂંટણીના ચોથા અને પાંચમા તબક્કા માટે પ્રચાર પૂરજાશમાં ચાલી રહ્યો છે. ઉમેદવારો પણ તેમના ઉમેદવારીપત્રો સબમિટ કરી રહ્યા છે. કેટલાક તેમના ઉમેદવારી નોંધાવવા માટે સંગીતનાં સાધનો સાથે પહોંચી રહ્યા છે, જ્યારે ઘણા બળદગાડા સાથે તેમના ઉમેદવારીપત્રો ભરવા માટે આવી રહ્યા છે. અપક્ષ ઉમેદવારો અનોખી રીતે ઉમેદવારી નોંધાવીને લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. તાજેતરનો કેસ બેતિયાનો છે. વાલ્મીકી નગર લોકસભા સીટ માટે એક અપક્ષ ઉમેદવાર જૂતા અને ચપ્પલની માળા પહેરીને અને સેંકડો સમર્થકો સાથે ગધેડા પર સવાર થઈને નોમિનેશન દાખલ કરવા આવ્યા હતા.
બેતિયા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવા પહોંચેલા અપક્ષ ઉમેદવારને જાઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હકીકતમાં, અપક્ષ ઉમેદવાર સૈયદ હવારીને તેમના સમર્થકોએ જૂતા અને ચપ્પલનો હાર પહેરાવ્યો હતો. આ સાથે તેઓ ગધેડા પર સવાર થઈને નોમિનેશન ભરવા આવ્યા હતા. ઉમેદવારી પત્ર ભર્યા બાદ સૈયદ હવારીએ કહ્યું કે તેઓ જૂતા અને ચપ્પલની માળા પહેરીને આવ્યા છે. કારણ કે હું એક ગરીબ મજૂરનો દીકરો છું અને હંમેશા જનતાના ચપ્પલ નીચે જીવવા માંગુ છું.
સૈયદે કહ્યું કે હું કોઈ મોટો નેતા નથી, લોકો મને ઓળખતા પણ નથી. તેથી, ગધેડા પર સવાર થઈને અને ચપ્પલની માળા પહેરીને હું મારું નામાંકન ભરવા આવ્યો છું. જેથી હું લોકોને સમજાવી શકું. લોકો મારા તરફ આકર્ષિત થઈ શકે છે. કારણ કે લોકો મને ઓળખતા નથી. તેણે કહ્યું કે આ પહેલા મેં ૨૦૨૧માં પંચાયતની ચૂંટણી પણ લડી હતી. સૈયદ હવારીએ તેમના કાકા સિકંદર અહેમદ સામે પશ્ચિમ ચંપારણ જિલ્લાના સિક્તા બ્લોકની સિક્તા પંચાયતના વોર્ડ ૧૧માંથી વોર્ડ સભ્યની ચૂંટણી લડી હતી. જેમાં બંનેનો ખરાબ રીતે પરાજય થયો હતો. હવે ફરી એકવાર તેઓ લોકસભાની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.