ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે સંવિધાન સંકલ્પ સભા માટે સીડબ્લ્યુસી મેમ્બર કનૈયાકુમાર અમદાવાદ આવ્યા હતા. આ દરમિયાન તેમણે તાજેતરમાં ગુજરાતમાં કથિત રીતે ઉંદરો દ્વારા ડ્રગ્સ ખાવાના મુદ્દાને ઉઠાવ્યો હતો અને બિહારમાં પણ ઉંદરો દ્વારા કથિત રીતે દારૂ પીવાની ઘટના સાથે સરખામણી કરી હતી. ઉપરાંત તેમણે વિધાનસભાનું પ્રસારણ લાઈવ થવા અંગે પણ ટિપ્પણી કરી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કનૈયા કુમાર જણાવ્યું હતું કે, હું આજે અમદાવાદ આવ્યો છું અને સંબોધન સંકલ્પ સભામાં આવ્યો છું . વડાપ્રધાન નરેદ્ર મોદી દેશમાં ફરી ફરીને ડિજિટલ ઇન્ડિયાનો પ્રચાર કરે છે. ટેલી પ્રોમ્પટર પર વાંચી વાંચીને સ્પીચ આપવામાં આવે છે. કોંગ્રેસ પણ ચૂંટણી લડી રહી છે. વિપક્ષ પણ મજબૂત રીતે લડી રહ્યો છે અને આવનારા સમયમાં અમારી સરકાર આવશે.
તેમણે કહ્યું કે, સંવિધાન સંકલ્પ સભામાં હું આજે આવ્યો છું. આ શહેરના તમામ લોકો સાથે અમે વાતચીત કરવાના છીએ. ૨૦ વર્ષથી અહીં તમામ એન્જીન ભાજપના છે. સ્થાનિક સ્વરાજ, વિધાનસભા અને લોકસભામાં ભાજપનું શાસન છે. પ્રધાનમંત્રી સમગ્ર દેશમાં ફરીને ડિજિટલ ઇન્ડિયાનો નારો બતાવે છે. હમણાં મેં એક પેપર વાંચ્યું કે ગુજરાત વિધાનસભામાં લાઈવ પ્રસારણ નથી થતું. ટેલીપ્રોમ્પટર પર વાંચીને બોલતા પ્રધાનમંત્રીના રાજ્યમાં શુ સ્થિતિ છે તે જાવા અમે આવ્યા છીએ. ભાજપના નેતાઓની સીડી આવી રહી છે. આગામી ચૂંટણી માટે કોંગ્રેસે તમામ તૈયારીઓ કરી દીધી છે. અમે ચૂંટણીપંચને પણ અનેક મુદ્દે રજુઆત કરી છે. લોકલ બોડીથી દેશમાં સરકાર હોવા છતાં ગુજરાતમાં ૧૦૦ માંથી ૩૮ બાળકો કુપોષિત પેદા થાય છે. યુવાનોને નોકરી નથી મળતી.
તેમણે વધુ જણાવ્યું હતું કે, બિહારમાં ઉંદર દારૂ પીવે છે અને ગુજરાતમાં ઉંદર ડ્રગ્સ ખાય છે. કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્ય ભાજપમાં જાય તો મંત્રી બની જાય છે. હાર્દિક કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા તો ધારાસભ્ય બની ગયા. આ ડિજિટલમાં આપજા રીલ બને. હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતો ત્યારે ધારાસભ્ય નહોતો. ભાજપ ગયો અને ધારાસભ્ય બની ગયો. કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જાય અને મંત્રી બની જાય છે. હાલમાં મોટાભાગના ધારાસભ્ય અને મંત્રી મૂળ કોંગ્રેસ છે.
તાજેરતરમાં ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે કેગનો રિપોર્ટમાં ખુલાસા થયા હતા. જે મુજબ રાજ્યમાં છેલ્લા ૧૨ વર્ષમાં પકડાયેલા ડ્રગ્સના જથ્થામાંથી ૩૫ ટકા જેટલો જથ્થો ગાયબ હતો. કુલ જપ્ત કરાયેલા ૬૫૧૦ કિલો ડ્રગ્સના જથ્થામાંથી ૪૧૭૭ કિલો ડ્રગ્સના જથ્થાનો જ હિસાબ મળે છે, જ્યારે ૨૩૩૨ કિલો ડ્રગ્સ ઉંદરો ખાઈ અને ચોરી ગયાનો જવાબ સામે આવ્યો હતો.
નોંધનીય છે કે, શહેરના બહેરામપુરા વિસ્તારમાં કનૈયા કુમારનો કાર્યક્રમ યોજાવાનો હતો. જાકે પોલીસ પરમિશન ન મળવાના કારણે બાદમાં કાર્યક્રમને પાલડીમાં રાજીવ ગાંધી ભવન ખાતે યોજવામાં આવ્યો હતો