બિહારમાં ચૂંટણી જાહેર થઈ ગઈ.
કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે, બિહારની ચૂંટણી બે તબક્કામાં થશે. પહેલા તબક્કામાં ૬ નવેમ્બરે અને બીજા તબક્કામાં ૧૧ નવેમ્બરે મતદાન થશે જ્યારે ૧૪ નવેમ્બરે બિહાર વિધાનસભાની તમામ ૨૪૩ બેઠકો માટે મત ગણતરી થશે. ૧૬ નવેમ્બર સુધીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂરી થશે અને બિહારમાં પાંચ વર્ષ માટે ફરી કોણ રાજ કરશે એ નક્કી થઈ જશે.
બિહાર દેશમાં સૌથી મોટા રાજ્યોમાં એક છે અને દેશના રાજકારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે તેથી સમગ્ર દેશની નજર બિહારની ચૂંટણી પર છે. દેશના બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ માટે તો બિહારની ચૂંટણી મહત્વની છે જ પણ બીજા ઘણા માટે પણ મહત્વની છે.
ભારતમાં ઉત્તર પ્રદેશ અને બિહારનું રાજકારણ પ્રાદેશિક પક્ષો તથા નાના નાના રાજકીય પક્ષો પર નિર્ભર છે તેથી બિહારમાં ઘણાની રાજકીય કારકિર્દી દાવ પર લાગેલી છે. નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ જેવા ભારતના રાજકારણમાં વિશિષ્ટ કહેવાય એવા પાત્રો માટે આ ચૂંટણી મહત્વની છે તો ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી, ઉપેન્દ્ર કુશવાહા, મુકેશ સાહની, પશુપતિ પારસ સહિતના નાના નાના ખેલાડીઓની રાજકીય કારકિર્દી પણ દાવ પર છે પણ સૌની નજર નીતિશ અને ભાજપ પર છે.

બિહારમાં છેલ્લા ૨૦ વર્ષથી નીતિશ કુમારનો દબદબો છે.
નીતિશ ૨૦૦૫થી બિહારના મુખ્યમંત્રી છે. વચ્ચે જીતનરામ માંઝી સવા વરસ માટે મુખ્યમંત્રી બન્યા તેને બાદ કરતાં નીતિશ જ બિહારની ગાદી પર બેઠા છે. નીતિશને મુખ્યમંત્રીપદે લગભગ ૧૯ વર્ષ થઈ ગયા. નીતિશ કુમાર ભારે તિકડમબાજ છે તેથી કોઈ વાર ભાજપ તો કોઈ વાર લાલુ પ્રસાદ યાદવના ખોળામાં બેસીને સત્તા પર ટકી રહ્યા છે.
નીતિશ કુમારની પાર્ટીને અત્યાર સુધી એક જ વાર સ્પષ્ટ બહુમતી મળી છે પણ તડજોડમાં હોંશિયાર નીતિશ ગમે તે રીતે ગાદી પર બેસી જ જાય છે. છેલ્લે ૨૦૨૦ની ચૂંટણીમાં તો જેડીયુને ૪૩ બેઠકો જ મળી હતી પણ ભાજપ પાસે પોતાના જોરે સરકાર રચવા જેટલા ધારાસભ્યો નહોતા એટલે પરાણે નીતિશને મુખ્યમંત્રી બનાવવા પડ્‌યા હતા.
નીતિશની જેડીયુનું નામ મૂળ તો સમતા પાર્ટી હતું. જ્યોર્જ ફર્નાન્ડિઝે નીતિશ કુમાર સાથે મળીને ૧૯૯૪માં સમતા પાર્ટી બનાવેલી પણ નીતિશે ધીરે ધીરે તેના પર કબજો કરી લીધો. નીતિશે જેડીયુને અંગત પેઢી બનાવી દીધી છે અને તેમની સામે પડનારા બધાને પતાવી દીધા છે પણ ધીરે ધીરે તેમનો રાજકીય પ્રભાવ ઘટી રહ્યો હોવાનું દેખાય જ છે.
નીતિશની તબિયત અંગે પણ શંકા-કુશંકાઓ થયા કરે છે. નીતિશ સંપૂર્ણ સ્વસ્થ નથી એવા દાવા થાય છે. જાહેરમાં નીતિશ બધું ભૂલી જાય છે ને ક્યારેક ચિત્તભ્રમ થયો હોય એમ વિચિત્ર વર્તન કરવા લાગે છે. એક સમયે સુશાસન બાબુની છાપ ઉભી કરનારા નીતિશના શાસનમાં બિહાર બદલાયું નથી એ પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે.
આ માહોલમાં નીતિશ ટકી શકે છે કે ફેંકાઈ જાય છે એ જોવાનું છે. આ ચૂંટણી નીતિશના રાજકીય ભાવિનો ફેંસલો કરશે.

ભાજપ માટે પણ આ ચૂંટણી મહત્વની છે.
ભાજપ વરસોથી બિહારમાં એકલા હાથે સત્તા કબજે કરવા મથે છે પણ ફાવતો નથી કેમ કે બિહારમાં ભાજપ સ્પષ્ટ બહુમતી માટે જરૂરી ૧૨૨ બેઠકો પર પણ લડતો નથી. અલબત્ત આ વખતે ભાજપે ચૂંટણી નીતિશ સાથે મળીને લડવી પણ ચૂંટણી પછી નીતિશને કોરાણે મૂકીને સત્તા કબજે કરવાની વ્યૂહરચના બનાવી હોવાનું કહેવાય છે. ભાજપ આ માટે મહારાષ્ટ્ર ફોર્મ્યુલા અજમાવશે એવું કહેવાય છે.
શિવસેના ભાજપનો સૌથી જૂનો સાથી હતો પણ ભાજપે શિવસેનાનાં ફાડિયા કરીને મહારાષ્ટ્રમાં પોતાની સરકાર રચી છે. શિવસેનાએ ૧૯૯૦માં પહેલી વાર ભાજપ સાથે જોડાણ કર્યું ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના ૧૮૩ બેઠકો પર લડી હતી ને ૫૨ બેઠકો પર જીતી હતી. ભાજપે ૧૦૪માંથી ૪૨ બેઠકો જીતી હતી. ૧૯૯૫માં શિવસેનાને ૭૩ અને ભાજપને ૬૫ બેઠકો મળતાં બંનેની સરકાર રચાઈ હતી.
શરૂઆતના વરસોમાં ભાજપ-શિવસેના જોડાણમાં શિવસેના મોટો ભાઈ હતો. શિવસેનાને જ વધારે બેઠકો મળતી પણ ધીરે ધીરે શિવસેના વધારે બેઠકો પર લડવા છતાં ઓછી બેઠકો પર જીતતી ને ભાજપ વધારે બેઠકો જીતવા માંડી તેથી ડખો થયો ને ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના ભાજપથી અલગ થઈને લડી હતી.
ભાજપે નરેન્દ્ર મોદીના કરિશ્મા અને સંગઠનની તાકાત પર ૧૨૨ બેઠકો જીતીને પોતાની સરકાર રચી હતી. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૦૬ બેઠકો જ્યારે શિવસેનાએ ૫૬ બેઠકો જીતી હતી. શિવસેનાએ મુખ્યમંત્રી પદ વહેંચવાની માગણી કરી પણ ભાજપ ના માનતાં ઉધ્ધવ ઠાકરેએ એનસીપી અને કોંગ્રેસ સાથે મહા-વિકાસ અઘાડી બનાવીને સરકાર બનાવી પણ ભાજપે એકનાથ શિંદે પાસે બળવો કરાવી દેતાં શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. ભાજપે ગમ ખાઈને પહેલાં શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા પણ ૨૦૨૪ની ચૂંટણી પછી ભાજપ પાસે સત્તા છે.
બિહારમાં પણ ભાજપ ભવિષ્યમાં જેડીયુમાં ભંગાણ પડાવીને પોતાની સરકાર બનાવવાની વ્યૂહરચના અમલમાં મૂકશે એવું મનાય છે.

લાલુના પરિવાર માટે પણ બિહારની ચૂંટણી મહત્વની છે.
બિહારમાં છેલ્લા ત્રણ દાયકાથી લાલુ પ્રસાદ યાદવનો પરિવાર છવાયેલો છે. સમાજવાદની વાતો કરીને લોકોને ભોળવનારા લાલુ પ્રસાદે હળાહળ જ્ઞાતિવાદ અને ગુંડાગીરીના જોરે બિહારમાં પ્રભાવ ઉભો કર્યો છે. લાલુ પ્રસાદ ૧૯૯૦માં બિહારના મુખ્યમંત્રી બન્યા પછી સળંગ ૧૫ વર્ષ સુધી બિહારમાં એકચક્રી શાસન કર્યું અને બેફામ ભ્રષ્ટાચાર કરીને ઘર ભર્યું છે. ૧૯૯૦ના દાયકામાં બહુ ગાજેલા ઘાસચારા કૌભાંડમાં લાલુના પરિવારે અબજો રૂપિયા ઘરભેગા કરી દીધેલા.
૧૯૯૬માં આ પાપ છાપરે ચડીને પોકાર્યું પછી તેમણે બિહારની ગાદી છોડવી પડેલી પણ તેનાથી લાલુને કોઈ ફરક પડ્‌યો નહીં. લાલુ પોતે ઘરભેગા થયા તો પોતાની સાવ અભણ બૈરી રાબડી દેવીને ગાદી પર બેસાડીને બિહાર પર રાજ કરવા માંડેલું. આ રીતે તેમણે બીજાં આઠ વરસ ખેંચી કાઢેલા.
ભાજપ અને નીતિશ કુમારે બહુ મહેનત કરીને ૨૦૦૫માં આરજેડીને પરાજય આપ્યો પણ લાલુનું વર્ચસ્વ નથી તોડી શક્યા. લાલુએ કોંગ્રેસ સાથે ગોઠવણ કરી નાખેલી તેથી કેન્દ્રમાં રેલવે પ્રધાન બનેલા અને બેફામ ભ્રષ્ટાચાર કર્યો હતો. ૨૦૧૪માં ભાજપ સત્તામાં આવ્યો પછી લાલુ પરિવારનો દબદબો ઘટ્યો છતાં બે વાર તો નીતિશ સાથે મળીને લાલુની પાર્ટીએ સરકાર બનાવી છે અને લાલુના દીકરા તેજસ્વી યાદવને નાયબ મુખ્યમંત્રી બનાવ્યો છે.
અત્યારે લાલુના બે દીકરા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ સામસામે છે. લાલુના સંતાનોમાં અંદરોઅંદર પણ ડખા છે પણ યાદવ અને મુસ્લિમ મતબેંક પર પ્રભાવના કારણે આરજેડીને અવગણી શકાય તેમ નથી. કોંગ્રેસ, મુકેશ સાહનીની વીઆઈપી, ડાબેરી પક્ષો સાથે મળીને તેજસ્વી નીતિશ-ભાજપને ટક્કર આપી રહ્યા છે અને સફળ થાય છે કે નહીં એ જોવાનું છે.

બિહારની ચૂંટણીમાં નવું પરિબળ પ્રશાંત કિશોર છે.
નરેન્દ્ર મોદી સહિત દેશના ઘણા નેતાઓને સત્તા સુધી પહોંચાડવાની વ્યૂહરચના ઘડી આપવાનો યશ જેમને અપાય છે એ પ્રશાંત કિશોર તેમની જનસુરાજ પાર્ટી સાથે બિહારના ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. પ્રશાંત કિશોરે છેલ્લા બે વર્ષમાં સમગ્ર બિહારનો પ્રવાસ કર્યો છે. પી.કે.એ બે વર્ષ સુધી જન સુરજ યાત્રા કાઢીને બિહારના મોટા ભાગનાં ગામોને આવરી લીધા હતા. પ્રશાંત કિશોરે જન સુરાજ યાત્રા દરમિયાન બિહારની દુર્દશાને મુદ્દો બનાવ્યો હતો અને આ મુદ્દો તેમને ફળે છે કે નહીં એ જોવાનું છે.
બિહારમાં વરસ પહેલાં લાગંજ, રામગઢ, ઇમામગંજ (અનામત) અને તારારી બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ તેમાં પી.કે.ની પાર્ટીએ બે બેઠકો પર સારો દેખાવ કરેલો. વિધાનસભાની ચૂંટણીમાં પી.કે.ની પાર્ટી વીસેક બેઠકો જીતશે એવી આગાહી થઈ રહી છે. બિહારમાં વરસોથી જામેલો પાસવાન પરિવાર, માંઝી કે કોંગ્રેસ પણ વિધાનસભામાં ૨૦ બેઠકો નથી જીતતા એ જોતાં પહેલી ચૂંટણીમાં પી.કે. ૨૦ બેઠકો જીતી જાય તો કિંગ મેકર બની શકે છે.