બિહારમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યામાં એક જ દિવસમાં ૨,૪૨૪ લોકોનો વધારો થયો છે. હવે રાજ્યમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૧૨,૦૮૯એ પહોંચી ગઈ છે જે અત્યાર સુધી ૯,૬૬૪ હતી. સરકારે ૬ મહિનામાં બીજી વખત આ ફેરફાર કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ૦૨ ડિસેમ્બર સુધી બિહારમાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા ૯,૬૬૪ હતી, જેમાં ૦૩ ડિસેમ્બરે બીજો ૨,૪૨૫ લોકો ઉમેરાયા. પટના હાઈકોર્ટના ફટકાર બાદ સરકારી આંકડામાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારી આંકડામાં બક્સર ખાતે કોરોનાથી થયેલા મૃત્યુનો સમાવેશ ન કરવાથી હાઈકોર્ટમાં સરકારને ફટકાર લગાવવામાં આવી હતી.
સરકારે કોરોનાથી થયેલી મૃત્યુની સંખ્યામાં ૦૯ જૂને પણ ફેરફાર કર્યો હતો. ત્યારે ૩,૯૩૧ લોકોનો સરકારી આંકડામાં સમાવેશ કર્યો હતો અને ત્યાર પછી સંખ્યા વધીને ૫,૪૨૪ થઈ ગઈ હતી. ત્યારબાદ આ આંકડામાં એકાએક ૭૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ફેરફાર પણ કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા છુપાવવાની વાત બહાર આવ્યા પછી કરવામાં આવ્યો હતો.
બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ જણાવ્યું કે, બિહારમાં કોરોનાથી થયેલા મૃત્યુના નવા આંકડા પ્રમાણે જ બધાને વળતર આપવામાં આવશે. સંક્રમણથી મૃત્યુ પામનારના પરિવારને ૪ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ મૃત્યુનો પહેલા કોઈ હિસાબ ન હતો, પરંતુ તપાસ પછી નવા આંકડા વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.