કોડીનાર પંથકની જીવાદોરી ગણાતા અને છેલ્લા ૧૦ વર્ષથી બંધ પડેલ શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગને ન્યૂ દિલ્હી સ્થિત ઇન્ડિયન પોટાશ લિ. (IPL) દ્વારા ૩૦ વર્ષના ભાડાપટ્ટે લઈને પુનઃ શરૂ કરવાની દિશામાં નક્કર પગલા ભરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે, સંસ્થાએ સૌપ્રથમ અગ્રતાના ધોરણે ૭૦૦થી વધુ કર્મચારીઓની લાંબા સમયથી બાકી રહેલી રૂ.૫ કરોડ ૬૦ લાખની રકમનું ચુકવણું કરતાં કર્મચારીઓ અને ખેડૂત પરિવારોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે, જે તેમના માટે દિવાળીની મોટી ભેટ સમાન બની છે. વિશેષ કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, ધારાસભ્ય પ્રદ્યુમન વાંઝા, સંસ્થાના ચેરમેન પી.એસ. ડોડીયા અને IPL એક્ઝિક્યુટીવ ડિરેક્ટર નીરજ શર્મા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ બાકી રકમનું ચુકવણું કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા માત્ર બાકી પગાર જ નહીં, પરંતુ જૂના નિવૃત્ત થયેલા કર્મચારીઓની ગ્રેચ્યુઇટી અને જમા રકમના રૂ.૧ કરોડ ૧૦ લાખ અને નગરપાલિકાના બાકી વેરા પેટે રૂ.૫૦ લાખની ચૂકવણી પણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે, તેમજ ખેડૂતોના બાકી દેવા પણ ચૂકવવામાં આવ્યા છે. હાલમાં માત્ર લે-ઓફના વિવાદમાં ચાલી રહેલી કોર્ટ મેટર પૂરતા રૂ.૧ કરોડ ૮૦ લાખનું ચુકવણું બાકી છે.