મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના રાજીનામાના ચાર દિવસ પછી પણ રાજ્યમાં રાજકીય ગતિરોધ ચાલુ છે. શાસક ભાજપે હજુ સુધી નવા નેતા અંગે નિર્ણય લીધો નથી. દરમિયાન, રાજ્યના વન મંત્રી ટી. બિશ્વજીત ઇમ્ફાલથી આસામની રાજધાની ગુવાહાટી પહોંચી ગયા છે. પડોશી રાજ્યની તેમની મુલાકાત માટે કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી.
અહેવાલો અનુસાર, ભાજપના પૂર્વોત્તર પ્રભારી સંબિત પાત્રા અને પાર્ટીના ધારાસભ્યો વચ્ચે અનેક તબક્કાની ચર્ચા છતાં, નવા મુખ્યમંત્રીને લઈને મડાગાંઠ છે. જો કોઈ એક નામ પર સર્વસંમતિ ન થાય, તો કેટલાક ધારાસભ્યોએ સૂચન કર્યું છે કે કેન્દ્રીય નેતૃત્વએ અંતિમ નિર્ણય લેવો જાઈએ. સંવિત પાત્રા છેલ્લા બે દિવસમાં બે વાર રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા છે. મંગળવારે, પાત્રાએ પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ એ. શારદા દેવી સાથે ભલ્લા સાથે વાત કરી અને બુધવારે તેઓ ફરીથી રાજ્યપાલને મળ્યા.
સંબિત પાત્રાએ રાજ્યના ગ્રાહક બાબતોના મંત્રી એલ. સુસિન્દ્રો અને ધારાસભ્ય કરમ શ્યામ સહિત ભાજપના ધારાસભ્યો સાથે પણ બેઠક યોજી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. પત્રકારો સાથે વાત કરતા કરમ શ્યામે કહ્યું કે બિરેન સિંહના પદ છોડવાના નિર્ણય બાદ કોઈ બંધારણીય કટોકટી નથી. રાજ્ય વિધાનસભાના બે સત્રો વચ્ચે નિર્ધારિત મહત્તમ છ મહિનાના સમયગાળાની સમાપ્તી અંગેના પ્રશ્નના જવાબમાં શ્યામે કહ્યું, “ચાલો જોઈએ શું થાય છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવશે, ત્યારે શ્યામે હસીને કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.
દરમિયાન, કોંગ્રેસના ધારાસભ્ય થોકચોમ લોકેશ્વરે પાત્રાની રાજ્ય મુલાકાત પર સવાલ ઉઠાવ્યા અને પૂછ્યું કે શું તેમનો ઇરાદો નેતૃત્વ સંકટનો ઉકેલ લાવવાનો છે. કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે સંબિત પાત્રાએ ભાજપના ધારાસભ્યો સાથે ચર્ચા કરીને નવા મુખ્યમંત્રીની નિમણૂક કરવાની પહેલ કરવી જોઈતી હતી. દરમિયાન, નિષ્ણાતોએ કહ્યું છે કે ભાજપ શાસિત મણિપુર બંધારણીય કટોકટી તરફ આગળ વધી શકે છે કારણ કે હજુ સુધી સરકાર બનાવવાનો કોઈ દાવો રજૂ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે જા પરિસ્થિતિ આવી જ રહેશે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે.