ભારતીય વાયુસેનાનું એક સ્ૈ-૧૭ફ૫ હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુનાં નીલગીરિ જિલ્લામાં કુન્નૂરમાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને લઈને જઇ રહ્યુ હતુ જે દુર્ઘટનાગ્રસ્ત થઇ જતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત ૧૩ લોકોનાં મોત થયા હતા. વળી, ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત નાજુક છે. વાયુસેનાએ આ સમગ્ર મામલે તપાસનાં આદેશ આપ્યા છે. દુનિયાભરથી સીડીએસને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે પરંતુ આ સમયે પણ ચીન તેની નફ્ફટાઇ છોડી રહ્યુ નથી.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુને લઈને ચીને ભારતીય સેનામાં અનુશાસનનો અભાવ ગણાવ્યો છે.ચીન સરકારનાં મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું કે, આ ઘટનાએ ભારતની યુદ્ધ તૈયારીઓની અભાવને છતી કરી છે. આ સાથે દેશનાં સૈન્ય આધુનિકીકરણને પણ જોરદાર ફટકો પડ્યો છે, જે લાંબા સમય સુધી ટકી શકે છે. ગ્લોબલ ટાઈમ્સે એનાલિસ્ટને ટાંકીને કહ્યું છે કે, ચીનનો વિરોધ કરનારા ભારતનાં સૌથી મોટા સૈન્ય અધિકારીની વિદાય પછી પણ સરહદ પર બન્ને દેશોનાં આક્રમક વલણમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી. ચીને કહ્યું છે કે, રાવતનાં નિધનથી ભારતીય સેનાનાં આધુનિકીકરણની યોજનામાં ખલેલ પડી શકે છે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે, ભારત ઢીલી અને અનુશાસનહીન લશ્કરી સંસ્કૃતિ માટે જોણીતું છે અને ભારતીય સૈનિકો મોટાભાગે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓ અને નિયમોનું પાલન કરતા નથી. ૨૦૧૯માં ભારતીય એરક્રાફ્ટ કેરિયરમાં આગ અને ૨૦૧૩માં ભારતીય સબમરીનમાં વિસ્ફોટ સહિત ભૂતકાળનાં અનેક અકસ્માતો દ્વારા આને સમજોવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
ગ્લોબલ ટાઈમ્સે કહ્યું છે કે, આ હેલિકોપ્ટર ક્રેશને ટાળી શકાયું હોત. હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી ફ્લાઇટને રોકી શકાયુ હોત. પાયલોટે વધુ સાવધાનીપૂર્વક ઉડાન ભરવાની હતી, હેલિકોપ્ટરની સારી કાળજી લેવાની હતી. અખબારે કહ્યું છે કે, ચીન-ભારત સરહદી વિસ્તારોમાં તૈનાત ભારતીય સૈનિકો સહિત સમગ્ર ભારતીય સેના માટે એક સામાન્ય સમસ્યા છે.