રણબીર કપૂર અને આલિયા ભટ્ટે સોમવારે (૨૭ જૂન) સવારે ગુડન્યૂઝ આપ્યા ત્યારથી ચર્ચામાં છે. એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર અલ્ટ્રાસાઉન્ડની તસવીર શેર કરીને પ્રેગ્નેન્સીની ખબર આપી હતી. પાંચ વર્ષના રિલેશનશિપ બાદ એપ્રિલ, ૨૦૨૨માં લગ્ન કરનારા રણબીર અને આલિયા ખૂબ જલ્દી મમ્મી-પપ્પા બનવાના છે. પરિવારના સભ્યો, ઈન્ડસ્ટ્રીના મિત્રો તેમજ કપલના ચાહકો સૌથી વધારે ખુશ થયા છે. તેઓ તેમના પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ કરી રહ્યા છે. જો કે, કેટલાક તેવા પણ છે જેમને હજી પણ આ વાત પર વિશ્વાસ આવી રહ્યો નથી અને કપલ અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે આ બધું કરી રહ્યા હોવાનું કહી રહ્યા છે. જો કે, રણબીર અને આલિયાની નજીકના વ્યક્તિનું કહેવું છે કે, કપલે હંમેશાથી આ જ રીતનું પ્લાનિંગ કર્યું હોવાનું જણાવ્યું છે. બોલિવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, રણબીર અને આલિયાની નજીકની વ્યક્તિએ ખુલાસો કર્યો હતો કે, ‘રણબીર અને આલિયા ત્રણ વર્ષ પહેલા લગ્ન કરવાના હતા. જો કે, ભૂતકાળમાં તેમના લગ્ન બે વખત સ્થગિત કરવા પડ્યા હતા’. સૌથી પહેલા કોરોના મહામારીના કારણે પ્લાન પડતો મૂકવો પડ્યો હતો અને ત્યારબાદ ઋષિ કપૂરનું કેન્સરના કારણે નિધન થયું હતું. ‘રણબીર હંમેશાથી લગ્ન કરવા અને તરત જ પરિવાર આગળ વધારવા માગતો હતો. તેથી, આ સરપ્રાઈઝ જેવું નથી. આલિયાની પ્રેગ્નેન્સીની અસર તેના અપકમિંગ પ્રોજેક્ટ પર ન પડે તેની ખાતરી કરીને તેમણે પ્લાનિંગ કર્યું હતું’, તેવો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સૂત્રોએ વેબ પોર્ટલને જણાવ્યું હતું કે, આલિયા ભટ્ટની પ્રેગ્નેન્સી અને નીતૂ કપૂરની પ્રેગ્નેન્સી વચ્ચે પણ સમાનતા છે. ઋષિ કપૂર અને નીતૂ કપૂરે જોન્યુઆરી, ૧૯૮૦માં લગ્ન કર્યા હતા અને સપ્ટેમ્બર, ૧૯૮૦માં રિદ્ધિમા કપૂરનો જન્મ થયો હતો.