અમરેલીમાં વસંતભાઈ ગજેરા દ્વારા નિરાધાર બાળકો માટે “વાત્સલ્ય ધામ”નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં નિરાધાર બાળકોને રહેવા, ભણવા, જમવાની સુવિધા મળશે. અહીં એવા બાળકોને સ્થાન મળશે જેના માતા–પિતા નથી કે એક હોય છતાં તેમને સાચવતા નથી. આવા દરેક બાળકને ગજેરા પરિવાર પોતાના સંતાન સમાન પ્રેમ, સંભાળ અને શિક્ષણ સાથે ઉછેરશે. અહીં ૧૦૦૦થી વધુ બાળકો માટે પૂર્ણ નિવાસ અને શિક્ષણની સુવિધા રહેશે. કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર બાળકો માટે સુવિધા ઉપલબ્ધ કરાવાશે. આ માટે કોઈ પણ પ્રકારનું દાન લેવામાં નહીં આવે. બાળકો પોતાના પગભર થાય ત્યાં સુધી એમની દરેક જરૂરિયાત પરિવારની જેમ જ પૂરી કરવામાં આવશે. વસંતભાઈ ગજેરાએ જણાવ્યું “મારા ધર્મપત્ની સ્વર્ગસ્થ ચંપાબેન ગજેરાનું સ્વપ્ન હતું કે સમાજમાં કોઈ બાળક અનાથ કે અશક્ત ન રહે. આજે તે સ્વપ્નને અમરેલીની પવિત્ર ધરતી પર સાકાર કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. આ બાળકો હવે મારા પરિવારનો ભાગ છે, અને જીવનભર હું એમની સાથે રહીશ.” સુરત અને ઓડિસામાં કાર્યરત “વાત્સલ્ય ધામ”ની જેમ જ, હવે અમરેલીમાં પણ આ દિવાળીથી આ નિર્માણ કાર્યની નવી શરૂઆત થવા જઈ રહી છે. જામનગરમાં પણ તેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.