બાળકોની સામે તમે એક વખત આ પ્રયોગ કરજો… “કોઈ બાળકને કહેવાનું કે હું તને ગદ્દીગદ્દી કરીશ…!” એટલે એ તરત બચ્ચું હસવા માંડશે… તમારાથી દૂર જઈને કહેશે “ના હો… મને ગદ્દીગદ્દી નહીં કરતાં, કારણ મને ગલીપચી બોવ થાય છે.” રોજ સાંજે લેસન ન કરતા ચિલ્લર પાર્ટી માટે આ પ્રયોગ કરવા જેવો ખરો. પહેલાં એને ખૂબ ગલીપચી કરવાની… પછી આખાય પરિવારે ભેગા મળીને હસવાનું… પછી હોમવર્ક કરવાનું…! છે ને મોજે દરિયા !!!
‘ગદ્દીગદ્દી’ શબ્દ વાંચ્યા પછી તમારા ચહેરાં પર મુસ્કાન આવે તો સમજવું.. કે તમને હજુ ‘ગદ્દીગદ્દી’ થાય છે. કેટલાકને ચાલીસી વટાવ્યા પછીનો આ એક પડાવ આવે છે. ગદ્દીગદ્દી ન થવાનો પડાવ… બઝારમાં ગદ્દીગદ્દી થવાની દવા આજ સુધી ઉપલબ્ધ નથી. અલબત્ત કેટલાક બાકાત રહે છે આમાંથી અને એને ગદ્દીગદ્દી થાય છે, બાકી જેને ગદ્દીગદ્દી નથી થતી એ તમામ બંદાઓને ‘જે સીયારામ…!’
કેવું કહેવાય ? ઈશ્વરે આપેલી તમને એક કમર હોય (કમરને.. કમરો બનાવવો કે ન બનાવવો એ તમારા હાથમાં છે… હાથ વડે તો બીજાનું ભોજન ઝાપટવાનું હોય છે), કેટલાક ભડભાદરને એનો મિત્ર ગલીપચી કરતો હોય, તો પણ એને ગદ્દીગદ્દી ન થાય..??!!
ગલીપચી ન થવાનું કારણ અમારા પડોશમાં રહેતા મોજીકાકા કહે છે કેઃ “ડુંગળીની જેમ પેટની ફરતે ચરબીના પડ ઉપર પડનું સર્જન થવું. ડુંગળીમાં સાત કે દસ પડ હોય. કેટલાક પ.પૂ.ધ.ધુ.તો પેટ ફરતે સત્યાવીશ પડને વીંટો કરીને ઢમઢોલ બનીને બેઠાં હોય છે. આને હવે ગલીપચી કયાંથી થાય?”
જો આપના હાથમાં મોબાઈલના બદલે કોઈ નાનકડું બાળક સ્થાન લે; તો એને તમારી પહેલી આંગળી લઈને તેની દાઢી નીચે ગલીગલી કરજો. હવે તમે જો કોઈ આવું કરે તો ? શું થાય ? હસવાનું અસંભવ જેવું લાગ્યું? તો તમારા મિત્રને કહો આંગળીને બદલે હવે વેલણનો ઉપયોગ કરો. ફરી હસવાનું અસંભવ લાગ્યું ? તમને જો ગલીપચી ન થાય તો સમજવું કે તમારી અંદર નૃત્ય કરતું ટેણીયું થાકી ગયું છે, એ જરા હાંફી ગયું છે. કહો તો ગદ્દીગદ્દીના સેન્સરની પાર્ટીએ ઉઠમણું કર્યું છે. એ પછી તો વેલણ શું લોખંડનો સરીયો પણ ગલીપચી કરવા અસમર્થ છે.
કેટલાક તો માત્ર છેલ્લે બાળપણમાં જ હસ્યાં હોય છે, પછી હાસ્યને કાયમી વનવાસ આપીને સોગીયું મુખારવિંદ ધારણ કરીને ફરતા હોય છે. આવા મહોદય બહાર ગલ્લે બેઠાં હોય. અને એના મોબાઈલમાં મેસેજ ટપકે… તો એ મોબાઈલ એવી રીતે હાથમાં લેશે, જાણે એની એકની એક ઘરવાળીએ ટાબરિયાંની ભીની ચડ્ડી હાથમાં પકડાવી દીધી હોય.. મિત્રો પૂછે કે “શેનો મેસેજ હતો ?” એટલે વિર-ઉદાસવાળો કહેશે… “આ જોને… બેન્કુંવાળા.. હખ લેવા દેતા નથી…!! અડધી રાતે મેસેજ ઉપર મેસેજ ઠપકારે રાખે છે.” “પણ શેનો મેસેજ છે, કહે તો ખરો..???” એટલે એની એકની એક ઘરવાળી એની પાસે પરાણે લોટનો પિંડો બંધાવતી હોય; એવા મોં સાથે ઉવાચશે… “આ જોને…પ..ગા..ર.. થઇ ગયો એનો મેસેજ છે…!”
“ઓ…તારી…ભલી થાય… આ ને જોતો ભગલાં.. કેવો માણસ છે? એને પગાર થયો તો પણ દીવેલ પીધેલું ડાચું કરે છે…”
ખરેખર…! મુંઢિંયા ગુંમડાની રુઝ, ટાઢીયાં તાવની ટાઢ, કોઈના ઉપર પ્રેમ, મનડાંની મોજ… અને ગદ્દીગદ્દીની ગલીપચી.. આ બધું અંદરથી આવે. એના ઇન્જેક્શન ન હોય..બાપલા…