બગસરામાં બાળકોની કસ્ટડીના વિવાદમાં એક શખ્સે પોતાની પત્ની અને સસરા પર લોખંડના પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. કોર્ટે બાળકોની કસ્ટડી સોંપવાનો ઈનકાર કરતા પતિએ આ ખાર રાખીને હુમલો કર્યો હતો. આ અંગે ધારીના ડાભાળી જીરા ગામે રહેતા નીલાબેન ઉર્ફે નિલેશ્વરીબેન લગધીરભાઇ બસીયાએ સાવરકુંડલામાં રહેતા પતિ લગધીરભાઇ રામકુભાઇ બસીયા તથા વનરાજભાઇ રામકુભાઇ બસીયા સામે ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી મહિલાને તેના પતિએ આજથી આશરે ચાર વર્ષ પહેલાં ઘરેથી કાઢી મૂકી હતી.
ત્યારથી બાળકો માતા પાસે જ રહેતા હતા. આ દરમિયાન પતિએ બાળકોનો કબજો મેળવવા માટે બગસરા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી; જોકે, કોર્ટે બાળકોની કસ્ટડી પિતાને સોંપવાનો હુકમ કર્યો નહોતો. કોર્ટના આ નિર્ણયનો ખાર રાખીને આરોપીએ હુમલાનું કાવતરું ઘડ્યું હતું.જ્યારે મહિલા અને તેના પિતા જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓ પોતાની કાર લઈને પાછળ આવ્યા હતા અને રસ્તામાં તેમને રોકીને બેફામ ગાળો આપી હતી.
આરોપી પતિએ લોખંડના પાઈપ વડે પત્નીના પગના ભાગે સખત માર માર્યો હતો, જ્યારે અન્ય આરોપીએ મહિલાના પિતાને ઢીકાપાટુનો મૂઢ માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓએ પિતા-પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પારિવારિક ઝઘડાએ હિંસક સ્વરૂપ લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બગસરા પોલીસ સ્ટેશનના છજીં પી.ડી. કલસરીયા ઘટનાની વધુ તપાસ કરી
રહ્યા છે.






































