કેરળ હાઈકોર્ટે બાળ કલ્યાણ સમિતિના નિર્ણયને ખોટો ઠેરવતાં એક વર્ષના બાળકની કસ્ટડી તેની માતાને સોંપવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે. બાળ કલ્યાણ સમિતિએ બાળક માતા પાસે સુરક્ષિત ન હોવાનું કહી તેની કસ્ટડી પિતાને સોંપી હતી. જો કે, જસ્ટિસ વી.જી. અરૂણે નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખતાં બાળકની કસ્ટડી માતાને સોંપવા આદેશ આપ્યો છે.બાળકને સ્તનપાન કરાવવુ એ માતાનો અધિકાર કેરળ હાઈકોર્ટે આ મામલે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, બાળકને સ્તનપાન કરાવવુ એ માતા અને બાળક બંનેનો મૌલિક અધિકાર છે.
આ અધિકાર બંધારણની કલમ ૨૧ હેઠળ જીવન જીવવાના અધિકારનો એક ભાગ છે. માતાની નૈતિક ફરજ અને મૂલ્યોને આ રીતે છીનવી શકાય નહીં.
બાળ કલ્યાણ સમિતિએ અવલોકન કર્યુ હતું કે, બાળક તેની માતા પાસે સુરક્ષિત નથી. કારણકે તે તેના સસરા સાથે ભાગી ગઈ હતી. પરંતુ જસ્ટિસ અરૂણે દલીલ કરી કે, બાળ કલ્યાણ સમિતિના આદેશમાં નૈતિક પૂર્વગ્રહ જાવા મળ્યો છે, વ્યક્તિ કોઈની સાથે રહે છે, તેનાથી તે વ્યક્તિનું ચારિત્ર્ય આંકી શકાય નહીં કે, તે એક સારી માતા નહીં બની શકે.
પતિ જાતિય અને શારીરિક સતામણી કરતો હોવાથી પત્નિ પોતાના પિયર જતી રહી હતી. જ્યાં તે તેની માતા સાથે રહેતી હતી. પરંતુ એક દિવસ તેની પત્નિ ગુમ થઈ જતાં પતિએ ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું કે, પત્નિ તેના પતિના સાવકા પિતા સાથે રહેવા જતી રહી હતી. પત્નિને સ્વૈચ્છીક રીતે કોની સાથે રહેવુ તે નિર્ણય લેવાનો અધિકાર હોવાનુ જણાવી કેસની પતાવટ કરતાં બાળક અંગનો નિર્ણય લેવાની સત્તા બાળ કલ્યાણ સમિતિને સોંપી હતી. જેમાં તેણે માતા તેના સસરા સાથે રહેતી હોવાથી સારી માતા નહીં બની શકેનો અંદાજ કાઢી એક વર્ષના બાળકની કસ્ટડી તેના પિતાને સોંપી હતી. આ નિર્ણયને પત્નિએ કેરળ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.