સ્ત્રીએ ભગવાને બનાવેલી સૌથી સુંદર રચનામાંની એક છે. જી હાં નારી શરીરમાં ભગવાને એવી ક્ષમતા મૂકી છે કે, તે અન્ય જીવને જન્મ આપી શકે. મા બનવાનો અવસર દરેક મહિલા માટે ખાસ હોય છે. જો કે પ્રેગ્નન્સી કેટલીક શારીરિક તકલીફ લઈને પણ આવે છે. આ ગર્ભાવસ્થાનો સમય દરેક રીતે સુખમય બની રહે માટે પહેલાથી ગર્ભાવસ્થા માટે શરીરને તૈયાર કરવું જરૂરી છે. જો પહેલાથી ફિટનેસ મુદ્દે થોડું ધ્યાન આપવામાં આવે તો આ પીરિયડ સ્વસ્થ રહીને પસાર કરી શકાય છે. જો કોઈ દંપતી બાળક લાવવાનું વિચારી રહ્યાં હોય તો પહેલા તેમણે પોતે તંદુરસ્ત બનવું પડે, દરેક રોગથી મુક્ત બનવું પડે જેથી કરીને આવનાર બાળક તંદુરસ્ત આવે.
દંપતીએ દરેક પ્રકારનું વ્યસન પણ છોડી દેવું જોઈએ. બજારનું ભોજન ખાવું જોઈએ નહિ, વાસી ખોરાક ખાવો જોઈએ નહિ. પૌષ્ટિક ખોરાક જ ખાવો જોઈએ અને ઋતુ અનુસાર ફળો ખાવા જોઈએ.
વ્યાયામઃ
બાળક લાવવાનું આયોજન કરતા માતા બનવા ઈચ્છતી બહેને સૌ પ્રથમ પહેલા શરીરને પ્રસવ સહિતની દરેક પીડા સહન કરી શકે તેટલું મજબૂત બનાવવું પડે છે. ગર્ભધારણ કર્યાં બાદ તમે તમારૂં અને બાળકનું ધ્યાન રાખવામાં એટલા વ્યસ્ત થઇ જશો કે ત્યારબાદ તમને ખુદને એ માટે તૈયાર થવાનો સમય નહીં મળે. ગર્ભાવસ્થામાં તમે દરેક પ્રકારના વ્યાયામ, આસન નથી કરી શકતા. તેથી જો તમે પ્રેગનેન્સીના પિરિયડને હેલ્ધી બનાવવા માંગતા હો તો વ્યાયામ અને યોગાસનને પહેલા તમારે દરરોજ કરવા જોઈએ.
ચાલવું(વોકિંગ) ઃ
સવારે અથવા સાંજના સમયે ટહેલવું સ્વાસ્થ્યપ્રદ રહે છે. વોકિંગ પણ બેસ્ટ એક્સરસાઈઝ છે. સગર્ભાવસ્થાના સમયમાં વોમિટિંગ અને અન્ય શારીરિક તકલીફોના કારણે તમે નિયમિત વોકિંગમાં આળસ કરશો પણ જો તમે પ્રિ પ્રેગનેન્સીના પિરિયડમાં વોકિંગને તમારી આદત બનાવી લેશો તો પ્રેગ્નન્સીના સમયમાં આસાની રહેશે અને તમને ચાલવાની આળસ પણ નહિ રહે તથા સ્વાસ્થ્ય સારૂ રહેશે.
યોગ્ય ભોજન (પ્રોપર ડાયટ)ઃ
શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલો યોગ, વ્યાયામ જરૂરી છે તેટલો જ આહાર પણ જરૂરી છે. ગર્ભાવસ્થામાં હિમોગ્લોબિનની કમી મુશ્કેલી પેદા કરી શકે છે. તેથી આ પ્રિ પ્રેગ્નન્સીના સમયમાં શરીરને બધા જ વિટામિન મળી રહે તેવો પોષણયુક્ત અને હેલ્ધી ખોરાક લેવાની આદત પાડો. વધારે પડતા તીખા તેલ મસાલા વાળા ખોરાક ખાવા જોઈએ નહિ. આ સમય દરમિયાન જંકફૂડને અલવિદા કહી દો. તાજા ફળો, લીલા શાકભાજી, દૂધની બનાવટ પનીર, માખણ, દહીંને ડાયટમાં સામેલ કરો. જે ફર્ટિલિટી( ફળદ્રુપતા) વધારનાર પણ છે.
વજન પર ધ્યાન દોઃ
જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પિડાતા હો તો, ઓવર વેઇટમાં ક્યારેય પ્રેગ્નન્સી વિશે ન વિચારો. પહેલા વજન ઉતારો. ઓવર વેઇટ ગર્ભધારણમાં અવરોધ ઉભો કરી શકે છે એટલું જ નહી ઓવરવેઇટમાં પ્રેગનેન્સી પણ બહુ બધી શારીરિક સમસ્યા લઇને આવે છે. સ્ત્રી રોગ વિશેષજ્ઞોના અનુસાર સ્ત્રીનું ઓછું કે વધું વજન ગર્ભધારણ કરવામાં સમસ્યા ઉભી કરી શકે છે. તમારી ઉંમર અને હાઇટ પ્રમાણે વજન હોય તેવા પ્રયાસ કરો. ગર્ભધારણ કરતા પહેલા તમારૂ વજન યોગ્ય પ્રમાણમાં હોવું જરૂરી છે. કેમકે સગર્ભાવસ્થામાં સગર્ભાનું વજન ૮ થી ૧૦ કિલો વધે છે.
પૂરતી ઊંઘ લોઃ
ગર્ભધારણ માટે શરીરને તૈયાર કરવા માટે નિયમિતતા પહેલી શરત છે. સુવા અને જાગવાનો નિશ્ચિત સમય નક્કી કરો. જેટલો સ્વાસ્થ્ય માટે વ્યાયામ જરૂરી છે તેટલી જ ઊંઘ પણ જરૂરી છે. સામાન્ય રીતે આઠ કલાકની ઊંઘ જરૂરી હોય છે. એવી દિનચર્યા બનાવો કે કમસેકમ તમે આઠ કલાકની ગાઢ નિંદ્રા લઈ શકો.
પેટ અને પીઠની માંસપેશિઓને મજબૂત કરોઃ
પ્રેગનેન્સીમાં ધીરે-ધીરે તમારા પેટનું કદ વધતું જાય છે. સ્તનની સાઈઝ પણ વઘે છે. જેનું દબાણ તમારા પીઠ પર પડે છે. તેથી બેકસાઈડની માંસપેશીઓને મજબૂત બનાવવા માટે નિયમિત એવા વ્યાયામ કરો જેનાથી પીઠની માંસપેશી મજબૂત બને. આ રીતનું પ્રેગનેન્સીનું પ્રિપ્લાન કરવાથી ગર્ભાવસ્થામાં થતો પીઠનો દુઃખાવો ઓછો કરી શકાય છે.
મન આનંદિત રહે તેવી સર્જનાત્મક પ્રવૃત્તિ કરવી.