કોઠારી કમિશનને કહ્યું છે કે “ભારતનું ભાવિ વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે ત્યારે તેને અસરકારક અને નૈતિક શિક્ષણ આપવાની જવાબદારી શિક્ષકની છે”. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. તેના નવસર્જનમાં પરિવારનો અનન્ય ફાળો રહેલો હોય છે. બાળકના જન્મ સમયે જેટલો ઉત્સાહ હોય છે. તેટલો આનંદ તેના શિક્ષણ સમયે પરિવાર તરફથી અચૂક મળવો જોઈએ તેવું બાળ વૈજ્ઞાનિકો અને અન્ય સમાજશાસ્ત્રીઓએ પણ રજૂ કરેલ છે. પરીક્ષા એ જીવનનું અંતિમ મુકામ નથી. આજે પરીક્ષા પહેલા મોટાભાગના ઘરોમાં વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચરિંગ અને અન્ય બાળકની તુલના અને ટકાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીની ક્ષમતા માપવાનું કોઈ મશીન આ દુનિયામાં શોધાયું નથી અને ક્યારેય શોધાશે પણ નહીં. વિદ્યાર્થીની સુષુપ્ત શક્તિઓ અનંત હોય છે. તેને શું ગમે છે તેને કયા ફિલ્ડમાં જવું છે તેવી સ્વતંત્રતા આજના બાળકમાં રેવા દીધી છે ? બાળકને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા દેવામાં આવે છે ? નિર્ણય લેવાની ક્ષમતા આજના સમયની તાતી જરૂરીયાત છે. બાળકને જે વિષયમાં રસ, રુચિ અને આવડત હોય તે ક્ષેત્રમાં તે સફળ બની શકે છે અહીં તો માતા પિતા વિદ્યાર્થીને કયા ફિલ્ડમાં જવું તે નક્કી કરે છે. પરાણે ક્યારેય પ્રીત બંધાવી શકાય નહીં. આવી વ્યવસ્થામાં શિક્ષિત મા બાપએ બાળકની મનોવ્યથાને સમજવાની કોશિશ કરવી જોઈએ તેની સાથે આંતરિક ભવાવરણ બાંધીને તેની ઈચ્છા જાણવા માટે જે મા બાપ પ્રયત્ન કરે છે તેના બાળકો સફળ બને છે.
બાળકની પરીક્ષા વખતે ખરેખર બાળકની પરીક્ષા હોતી નથી. તેમના મા બાપની પરીક્ષા હોય છે. આખી દુનિયાનું ટેન્શન લઈને મા બાપ ફરે છે અને વિદ્યાર્થીને ટેન્શન આપે છે. આવા સમયે શિક્ષિત મા બાપે જાગૃત બનવાની જરૂર છે. શિક્ષણ અનિવાર્ય છે પરંતુ શારીરિક અને માનસિક ત્રાસ આપીને ક્યારેય પણ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાતી નથી. અભ્યાસ કરતા બાળકને ઘરમાં પોષણતમ આહાર અને આનંદનું વાતાવરણ પૂરું પાડવાની જરૂર છે. વિદ્યાર્થીને આઠ કલાકની નિયમિત ઊંઘ જોઈએ. બાકીના કલાકોમાં અભ્યાસ કરે તે જરૂરી છે. અભ્યાસની સાથે સાથે મનોરંજન પ્રાપ્ત થવું અનિવાર્ય છે. સતત કાર્ય કરવાથી ટ્રેસ આવે એટલે તેને જેમાં આનંદ આવતો હોય તેવી પ્રવૃત્તિ કરવાની પણ સ્વતંત્રતા હોવી જોઈએ. વિદ્યાર્થીઓને સલાહ કરતા સમજણ કેળવાય તેવા રચનાત્મક કર્યો વાલીએ કરવાની જરૂર છે. ઘરમાં માતા-પિતા સ્વયમ એક વાચક હોય તો તેની સારી અસર વિદ્યાર્થીઓના માનસ ઉપર પડે છે. ઘરમાં માનસિક અને શારીરિક બંને શાંતિ હોવી અનિવાર્ય છે. કલેશ, કંકાસ અને ઉગ્ર વાતાવરણ બાળકના માનસ ઉપર વિપરીત અસર કરે છે તે સમયે વાલી સ્વયમ તેનું ચુસ્ત પાલન કરીએ. નિરામય વાતાવરણ કેળવવાથી બાળકના અભ્યાસ ઉપર હકારાત્મક અસર પડે છે.
પરિવાર એ બાળક માટે ઊર્જાનો સ્ત્રોત છે. તે સમયે માતા પિતાએ બાળકને મિત્ર બનાવીને વાસ્તવિકતાનો ખ્યાલ જરૂર જણાય ત્યારે જ આપવો. જેવી જેની ક્ષમતા એવું તેનું પરિણામ બાળકને જમવામાં ફાસ્ટ ફૂડ ક્યારેય પણ આપવું નહીં તેને ફ્રૂટ્‌સ અને તેના જ્યુસ આપવાથી આંતરિક શક્તિઓ અને યાદશક્તિ વ્યાપક બને છે. પરિવારમાં શાંતિ અને સુલેહ તેમજ આધ્યાત્મિકતા સાથેનું ભાવાવરણ ઘરમાંથી પ્રાપ્ત થવું જોઈએ. સારા ટકા લાવવા માટે સારું વાતાવરણ ક્રિએટ કરવું પડે તો જ બાળકને ભણવામાં રસ, રુચિ જાગે બાળક સાથે આત્મીયતા સભર પ્રેમ અને હૂંફ આપવાથી તેની નૈસર્ગિક તાકાત ખીલે છે. બાળકને સમયસર અભ્યાસ કરવા માતા પિતાએ કાળજી રાખવી જોઈએ. ઘરમાં હોય ત્યારે બિનજરૂરી સલાહ કે સૂચન આપવા નહિ.
મોબાઈલ આજનું સૌથી મોટું દુષણ છે. પરંતુ ટેકનોલોજીના યુગમાં તેનો વિવેક સંબંધ ઉપયોગ પણ અનિવાર્ય છે. કારણ કે ધોરણ ૧૨ સાયન્સ જેવા વિષયમાં ઓનલાઇન શીખવું અનિવાર્ય છે તેવા સમયે તેનો દુરુપયોગ ન કરે તેનું ધ્યાન પણ વાલીએ રાખવું જરૂરી છે. બાળકો સાથે નવરાશના સમયે વિચારો અને સારી સ્ટોરી રજૂ કરો. ઘરે સારા પુસ્તકો અને મેગેઝીન ઘરમાં મા સરસ્વતીનો વાસ કરે છે. માર્ચ મહિનામાં બોર્ડ પરીક્ષાનો ઉત્સવ શરૂ થશે તે સમયે તેને નૈતિક બળ કેળવાય અને બિનજરૂરી ટેન્શન ના રહે તે માટે વાલીઓએ હંમેશા હકારાત્મક વાતો કરવી. હકારાત્મક વાતો કરવાથી તેની ક્રિયાશીલ બાબતો એક્ટિવ બને છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાના દિવસે ઊંડા શ્વાસ, પ્રાણાયામ અને સાદો ખોરાક મેળવવો જોઈએ. તેમજ વિટામીન સી મળી શકે તેવા જ્યુસ નિરંતર પીવા જોઈએ. પોષણતમ આહાર અને આઠ કલાકની નિદ્રા અનિવાર્ય સંજોગોમાં મળવી જ જોઈએ. તેવું પ્લાનિંગ કરીને મા-બાપે ઘરે વિદ્યાર્થીને સગવડ આપવી જોઈએ. વાતાવરણ વિદ્યાર્થીને વધુ શિક્ષણ મેળવવા માટે ઉર્જા આપે છે. ઘરનું વાતાવરણ સુંદર હોય તો વિદ્યાર્થીને તેની માનસિક ક્ષમતાને ટેન્શન મુક્ત રાખે છે. દુનિયાના મહાપુરુષો કઠોર પરિશ્રમથી આગળ આવ્યા છે. તેવા સમયે પ્લાનિંગ બદ્ધ તૈયારી કરવી, દ્રઢીકરણ કરવું, લેખન કાર્ય કરવું પરીક્ષાના આગલા દિવસે જે વિષયનું પેપર હોય તેના જરૂરી પોઇન્ટ એક ડાયરીમાં લખી રાખો તે પ્રમાણે તેને પુનરાવર્તન કરીને પરીક્ષા આપવા જવાથી પરીક્ષા ઉત્સવ બની જાય છે અને છેલ્લે ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે.
આજના વાલીઓને મારી એક વિનંતી છે કે બાળકને તેની ક્ષમતા પ્રમાણે અને એની ઈચ્છા પ્રમાણે જે તે ફિલ્ડમાં જવા દો. ભારત વિશાળ દેશ છે. વિલેજથી વિદેશ સુધી વિદ્યાર્થીઓ સફર કરતા થયા છે ત્યારે પરીક્ષાના સમયે બાળકોને સહકાર આપો સલાહ આપો નહીં. જેથી વિદ્યાર્થી સુંદર રીતે ખીલીને ઉત્તમ પરીક્ષા આપીને સારા ગુણ મેળવે એ આજના સમયની તાતી જરૂરી છે. કદાચ પરિણામ ખરાબ આવે તો વિદ્યાર્થીને વધુ કરવાની તક આપજો પુનઃ જે તે ફિલ્ડમાં સફળ થશે. તેની મને ચોક્કસ ખાતરે છે. બાકી ટેન્શન અને પ્રેશર આપીને સુસાઇડ કરે ત્યારે તેના ફોનને દિવાલ ઉપર લટકાવવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. જીવતો હશે તો કંઈક કરશે આવી વિચારસરણી દરેક વાલીઓએ કેળવવાની તાતી જરૂરિયાત છે. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨