વરસતા વરસાદની મેઘલી રાતે પવન સૂસવાટા મારી રહ્યો છે. રાતના બાર થવા આવ્યા છે. ચારેકોર અંધારું છવાઈ ગયું છે. બધા પોતપોતાના ઘરના બારી દરવાજા બંધ કરીને પથારીમાં સૂઈ ગયા છે. ઉપાધિ વગરના લોકો ઊંઘી ગયા છે અને જવાબદારી વાળા જાગી રહ્યા છે. બહાર બિહામણું વાતાવરણ છે એવા સમયે બારણે ટકોરા પડે છે. આવા ટાણે કોણ હશે એવો વિચાર દરેકના મનમાં આવેજ.જાતજાતના તર્ક વિતર્ક વચ્ચે બારણું ખોલવું કે નહિ એવી અવઢવમાં હિંમત કરીને બારણું ખોલતા પહેલાં કોણ છે એમ પૂછી લેવાનું સલામત લાગતા સામેથી સંભળાતો અવાજ જાણીતો લાગ્યો. એટલે જીગર આવી પણ મનમાં બીજી શંકા આકાર લે છે કે અત્યારે શું કામ પડ્‌યું હશે. પણ બીજી જ ક્ષણે એવો વિચાર આવ્યો કે કૈંક મુશ્કેલીમાં હોય અને ખરેખર મારા લાયક કૈંક કામ પડ્‌યું હોય તો જ અત્યારે મને યાદ કર્યો હોય એટલે પળનો પણ વિલંબ કર્યા વિના હાથમાં બેટરી લઈને બારણું ખોલ્યું અને એ જરૂરિયાતમંદ મિત્રનું કામ કરવામાં નિમિત્ત બન્યા પછી એ મિત્રના શબ્દોનો ભાવ કૈંક આવો હતોઃ “બારણું એક બંધ થાય તો ખોલી આપે બારી, કેવી ગતિ છે કુદરતની ન્યારી!” આ પંક્તિઓ સામાન્ય સંજોગોમાં આપણને દિલાસો આપતી હોય છે પણ અઘરી કે અસાધારણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વિશ્વાસ ડગમગી જતો હોય છે. બારણું બંધ થયા પછી બીજી બારી ખૂલે ત્યાં સુધીનો સમય જ્યારે અતિ પીડાદાયક હોય ત્યારે અડધી રાતે કોઈના બંધ બારણે ટકોરા મારવા જવું પડે! આવા સમયે એ વાતનો મનમાં ખટકો રહેતો હોય કે અત્યારે બારણું ખુલશે કે નહિ! આ આખી વાતનો ચિતાર આપણા અન્ય લોકો સાથેના વહેવાર, વર્તન અને રખાવટ પર આધાર રાખે છે. ઘણીવાર આપણે પોતે અત્યારસુધી જ્યારે કોઈને નાની મોટી જરૂર પડી હોય ત્યારે કામમાં ના આવ્યા હોઈએ, નાની નાની વાતોમાં દરેક વ્યક્તિ સાથે સંબંધ બગાડી નાખ્યા હોય તો આપણા સંકટ સમયે કોઈની જરૂર પડે ત્યારે એને સાદ કરતા સંકોચ થાય એ સ્વાભાવિક છે પણ એનાથી ઉલટું તમારા બારણે ટકોરા પડ્‌યા હોય અને તમે પેલા ટકોરે જ બારણું ખોલીને મદદ માટે બહાર નીકળી પડતાં હોય છતાં જ્યારે તમારે જરૂર પડે ત્યારે આવી વ્યક્તિઓ તમારો અવાજ ઓળખીને બારણું ખોલવાના બદલે ફોન બંધ કરીને પથારીમાં સૂઈ જાય ત્યારે આપણા પોતાના સ્વભાવમાં ચેન્જ કરવાની જરૂર દેખાય. ક્યારે ક્યાં અને કેટલું ઘસાવું એ ગણતરી કરવી પડેને સમય એવું શીખવાડી જાય છે. જીવનમાં દરેકને જાત જાતના અને ભાત ભાતના અનુભવ થતાં હોય છે. ક્યારે કોણ કેટલું ઉપયોગી થયું અને આપણે કોના માટે કેટલું ઘસાયા એનું સરવૈયું મનમાં મંડાય ત્યારે વ્યક્તિની સાચી ઓળખ થતી હોય છે. ક્યારેક આપણે ખુદ અંદર પુરાયેલ હોય અને યેન કેન પ્રકારે કોઈ આપણને બહાર કાઢવા બારણે ટકોરા મારે ત્યારે ભૂતકાળના અનુભવના આધારે ભવિષ્યનો વિચાર કરીને બારણું ખોલવું કે નહિ તે ગડમથલ મનમાં મુંઝવણ ઉભી કરતી હોય છે. અને આવા સમયે બારણું ખોલીને બહાર નીકળ્યા પછી પણ કવિ હર્ષદ ત્રિવેદીની પંક્તિઓ જેવું થાય,” પીંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું કે હવે તું મુક્ત છો, પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું ને પાછું પીંજરામાં પુરાઈ ગયું!” આવી ઘટનાઓમાં જગતની નજરે સ્વતંત્રતાઓ દેખાતી હોય એ હકીકતમાં વ્યક્તિ માટે ત્રાસદાયક હોય અને એટલે જ પંખી પિંજરામાં જાતે પુરાઈ જવાનું પસંદ કરતું હોય છે. ખેર આપણે મૂળ વાત પર આવીએ તો જીવનમાં ઝાઝા નહિ પણ એકાદ બે એવા અંગત મિત્રો તો હોવા જ જોઈએ, જેની સાથે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના તન મન અને ધનથી સમર્પણ કરવાની તૈયારી અને તત્પરતા હોવી જોઈએ અને રાખવી જ જોઈએ. આવું બન્ને પક્ષે નિભાવવું જોઈએ. આજે એને તમારી જરૂર પડી છે એટલે અડધી રાતે બારણે ટકોરા મારે છે. તો કોઈ પણ પ્રકારના દંભ વગર કે વિલંબ વગર બારણું ખોલીને હોંકારો દેવો જોઈએ, સમય એવો પણ આવે કે કાલે તમારે તેના બારણે ટકોરા મારવા પડે ત્યારે મનમાં સંકોચ ના થવો જોઈએ કે મારે ત્યાં કેમ જાવું? અને જો તમે સક્ષમ હો તો આજે બેધડક બધી રીતે સાથે ઊભા રહો તો કમસેકમ તમારી જરૂરિયાતના સમયે તમારે તેનું બારણું ખખડાવતા મનમાં સંકોચ કે શરમ ના થવી જોઈએ. વળી જગતના સંબંધો રૂપી કોઈનું બારણું એટલું જોરથી બંધ ના કરી દેવું કે પછી ભવિષ્યમાં ખોલી જ ના શકાય અથવા તો ખખડાવતા શરમ કે સંકોચ થાય. બસ વિચાર, વાણી અને વર્તનથી જરૂરિયાતના સમયમાં એકબીજાને ઉપયોગી થવાનો ભાવ રાખીએ એજ સાચી સમજણ બાકી બધી પળોજણ કહેવાય.