મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં તપાસના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે. કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના શખ્સની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના અકોલામાંથી એક આરોપીની ઝડપી પાડ્યો હતો. આ ઝડપાયેલો સલમાન વ્હોરા નામનો આરોપી આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે. જેના છેડા ક્રાઇમ બ્રાન્ચને પેટલાદ સુધી ખેંચી લાવ્યા હતા.
મળતી માહિતી મુજબ પેટલાદમાંથી પકડાયેલા શખ્શનો આરોપીઓ સાથે આર્થિક વ્યવહાર થયા હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પેટલાદથી સાહિલ મલેક નામના અન્ય શખ્સની અટકાયત કરી હોવાની ચર્ચા છે. મહત્વનું છે કે ગત ૧૨ ઓક્ટોબરે ૬૬ વર્ષીય એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા થઈ હતી. બાંદ્રા પૂર્વના નિર્મલ નગર વિસ્તારમાં બાબા સિદ્દીકી ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
થોડા દિવસ અગાઉ એટલે કે ગત રવિવારે યુપી એસટીએફ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે બહરાઈચ જિલ્લાના નાનપારામાંથી શૂટર શિવકુમારની ધરપકડ કરી હતી. શૂટર શિવકુમારે એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાના પ્લાનિંગ અને તેને અંજામ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાનો શોખીન આ આરોપી ગુનો કર્યા બાદ ભારતની સરહદ પાર કરીને નેપાળ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે પોતાના પ્લાનમાં સફળ થાય તે પહેલા પોલીસે તેને પકડી લીધો. પોલીસે તેને મદદ કરવાના આરોપમાં યુપીમાંથી અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરી છે.
યુપી એસટીએફ અનુસાર ધરપકડ કરાયેલા આરોપી શિવ કુમારે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તે પુણેમાં એક જંક શોપમાં કામ કરતો હતો. શિવકુમારે પોલીસને જણાવ્યું કે, તેની અને શુભમ લોંકરની દુકાનો એકબીજાની બાજુમાં છે. STF અનુસાર શિવકુમારે તેમને કહ્યું કે, શુભમ લોનકર લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરે છે અને તેણે (લોનકર) તેને (શિવકુમાર) સ્નેપ ચેટ દ્વારા ઘણી વખત લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાત કરાવી હતી.એસટીએફના જણાવ્યા અનુસાર શિવકુમારે જણાવ્યું કે, સિદ્દીકીની હત્યા બાદ તેને ૧૦ લાખ રૂપિયા અને દર મહિને કંઈક બીજું મળવાનું હતું.