રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા પછી, તેમના મોબાઇલ નંબરને બીજા સિમ કાર્ડ પર છેતરપિંડીથી સક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ કેસમાં, મુંબઈની બાંદ્રા પોલીસે દિલ્હીથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ દિલ્હીના બુરારી વિસ્તારના વિવેક સબરવાલ તરીકે થઈ છે, જેની સામે અગાઉ સાયબર ક્રાઈમના કેસ નોંધાયેલા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વિવેક સબરવાલ પર બાબા સિદ્દીકીના મોબાઈલ નંબરને બીજા સિમ કાર્ડ પર એકટીવેટ કરીને છેતરપિંડીનું કાવતરું ઘડવાનો આરોપ છે. મુંબઈમાં સબરવાલ સામે બે કેસ પહેલાથી જ નોંધાયેલા છે, જેમાંથી એક ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર ૩૭ અને બીજા બોરીવલી કોર્ટ નંબર ૧૭માં ચાલી રહ્યો છે. બોરીવલી કેસમાં તેને જામીન મળી ગયા છે.
બાબા સિદ્દીકીના મૃત્યુ પછી પણ, તેમના પરિવારે તેમનો મોબાઈલ નંબર સક્રિય રાખ્યો છે, કારણ કે તે તેમના વ્યવસાયિક કાર્ય સાથે સંબંધિત છે. ૨૪ જૂને, સ્વર્ગસ્થ બાબા સિદ્દીકીની પત્ની શાહઝીન સિદ્દીકીના નામે એક ઈમેલ આવ્યો હતો. આ ઈમેલમાં, બાબા સિદ્દીકીના મોબાઈલ નંબર સાથે સંબંધિત સત્તાવાર સહી વિશે માહિતી માંગવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ હતી કે આ મેઇલ સાથે શાહઝીન સિદ્દીકીના આધાર કાર્ડ, પાન કાર્ડ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નંબર અને ફેમિલી કંપનીના લેટરહેડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આરોપીઓએ બીજા સિમ કાર્ડ પર મોબાઇલ નંબર શરૂ કરીને છેતરપિંડી કરવાની યોજના બનાવી હતી. જાકે, સંબંધિત કંપનીએ આ અરજી વિશે ઇમેઇલ દ્વારા માહિતી આપી હતી. કંપનીએ બાબા સિદ્દીકીની પુત્રી ડા. અર્શિયાને પણ ઇમેઇલની સીસી (કાર્બન કોપી)માં રાખી હતી, જેના કારણે પરિવારને આ મામલે છેતરપિંડીનો શંકા હતી.
આ પછી, ડા. અર્શિયાએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. બાંદ્રા પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૧૯ (૨) (છેતરપિંડી), ૬૨ (જેલપાત્ર ગુનો કરવાનો પ્રયાસ), ૩૩૫ (ખોટા દસ્તાવેજ બનાવવો), ૩૩૬ (૨) અને ૩૩૬ (૩) (દસ્તાવેજા બનાવટી), અને ૩૪૦ (૨) (ખોટા ઇલેક્ટ્રોનિક રેકોર્ડનો અસલી તરીકે ઉપયોગ કરવો) હેઠળ કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે દિલ્હીથી વિવેક સબ્રવાલ નામના એક આરોપીની ધરપકડ કરી છે. શરૂઆતની તપાસમાં આ કેસ સાયબર છેતરપિંડી જૂથ સાથે જાડાયેલો હોવાનું જાણવા મળ્યું છે.





































