મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ તેજ થઈ ગઈ છે. ત્યારે આ ઘટના સંદર્ભે વધુ તપાસ માટે મુંબઈ પોલીસ અમદાવાદ આવે તેવી શક્યતા છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાથી તપાસનું વાહન અમદાવાદ પહોંચશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સની પૂછપરછ કરવા માટે મુંબઈ પોલીસ અમદાવાદ આવી શકે છે. લોરેન્સ ગેંગે એનસીપી (અજીત ગ્રુપ)ના નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની ૧૨ ઓક્ટોબરની રાત્રે ગોળી મારીને હત્યા કરી હતી. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. જે બાદ હવે તપાસ એજન્સી લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે.
લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. ત્યારે લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માટે તપાસ એજન્સીઓ અમદાવાદ આવે તેવી શક્યતાઓ છે. બાબા સિદ્દીકી, હરિયાણાના ગુરમેલ અને યુપીના ધરમરાજને ગોળી મારનારા બે શૂટરોએ દાવો કર્યો હતો કે તેઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે. આ પછી, લોરેન્સની પૂછપરછ કરવામાં આવશે જેથી કરીને ઘટના વિશે વધુ માહિતી મેળવી શકાય. જાકે, આ માટે પોલીસે કોર્ટની મંજૂરી લેવી પડશે.
બાબા સિદ્દિકી મહારાષ્ટ્રના રાજકારણમાં આગળ પડતું નામ ગણાય છે. તેમનો ત્યાં જબરદસ્ત પ્રભાવ હતો. તેમા પણ ફિલ્મી દુનિયામાં તો બાબા સિદ્દિકીના નામના સિક્કા પડતા હતા. બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચેની દુશ્મનીનો તેમણે જ અંત આણ્યો હોવાનું કહેવાય છે. બંને તેમને ત્યાં યોજાયેલી ઇફ્તાર પાર્ટીમાં મળ્યા હતા. પછી બંનેની દુશ્મનીનો અંત આવ્યો હતો.