અમરેલી જિલ્લામાં દીપડાની રંજાડ દિન-પ્રતિદિન વધી રહી છે. દીપડાના હુમલા છાશવારે વધતા હોવાથી પરપ્રાંતિય શ્રમિકોમાં ભયનો માહોલ છવાયો છે. ગઈકાલે અમરેલીના બાબાપુર ગામ નજીક બાળક પર દીપડાના હુમલાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓની રંજાડ વધી રહી છે. તાજેતરમાં ધારી પંથકમાં દીપડાએ બે લોકો પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. અમરેલી તાલુકાના બાબાપુર ગામ નજીક તરવડા ગુરૂકુળ પાસે મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર વાડીએ કામ કરતો હતો ત્યારે વાડીમાં રમી રહેલા ૭ વર્ષીય બાળકને એક દીપડો ઢસડી ગયો હતો. મોઢું દબોચી લેતા બાળકનું ઝડબું બહાર કાઢી લીધુ હતું. આ દરમિયાન નજીકમાં જ હાજર પરિવારના સભ્યોએ તૂરંત દીપડાની પાછળ દોટ મુકી હતી. જેને પગલે ઘાસમાં બાળકને ફેંકીને દીપડો ભાગી ગયો હતો. જોકે, દીપડાએ બાળકને ફાડી ખાધો હતો, જેથી તેનું ઘટના સ્થળે જ દર્દનાક મોત થયું હતું. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છે તો સ્થાનિકોમાં ભય ફેલાયો છે. આ ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમો દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે. આસપાસના ખેડૂતો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યાં હતા. દીપડાને તાત્કાલિક પકડવા માટેની માંગ કરી હતી. મૃતક કિશોરને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આકેશ બજરીભાઈ સોલંકી ઉ.૭ ઉપર દીપડાએ કરેલા હુમલાના કારણે ઘટના સ્થળે જ મોત થયું જેના કારણે આસપાસના ખેડૂતો, લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ફફડાટ ફેલાયો છે. ઝડપથી દીપડાને પકડી દૂર ખસેડવાની લોકોએ માંગ ઉઠાવી છે.