સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર સંચાલિત ૧૬ શાળાઓના શિક્ષકો માટે તા.૨૬ અને ૨૭ એપ્રિલના રોજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના નિયામક મંદાકિનીબેનની પ્રેરણાથી આયોજિત આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ પરિવર્તન પામતા શિક્ષણના પ્રવાહમાં એઆઈના ઉપયોગથી શિક્ષકોને માહિતગાર કરવાનો હતો. સેમિનારમાં સંસ્થાની શાળાઓના તજજ્ઞ શિક્ષકોની ટીમ દ્વારા ચાર જુદા જુદા વર્ગોમાં શિક્ષકોને એઆઈના વિવિધ ઉપયોગોની તાલીમ આપવામાં આવી હતી. તા.૨૭ એપ્રિલના રોજ એઆઈ નિષ્ણાત દેવેન્દ્રભાઈ ત્રિવેદીએ જુદી જુદી શૈક્ષણિક એપ્લિકેશન્સની સમજ આપી હતી, જેના દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી વિષયો સમજાવી શકાય.વર્કશોપના અંતિમ સત્રમાં જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર આઈ. કે. વીજળીવાળાએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્‌બોધન કર્યું હતું. નવપલ્લવન શિબિરના ભાગરૂપે યોજાયેલ આ સેમિનારને સફળ બનાવવા માટે સંસ્થાના કાર્યકરો મુકેશભાઈ રાજ્યગુરુ, જયંતીભાઈ જોશી, મુકુંદભાઈ મહેતા અને ૧૬ શાળાઓના તજજ્ઞોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સંસ્થાના મંત્રી મોહનભાઈ વાળા અને કલીપ્રસાદભાઈ જેવા વરિષ્ઠ કાર્યકરોએ હાજર રહીને તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્‌યું હતું.