અમરેલીના બાબાપુર ગામ નજીક ગુરૂકુળ નજીક વિપુલભાઈ ધનજીભાઈ ગોંડલીયાની વાડીમાં ખેત મજૂર પરિવાર રહેતા હતા અને ૭ વર્ષના કિશોર રમતો હતો, આ દરમ્યાન દીપડો આવી ચડતા બાળકને ઢસડી દૂર સુધી લઈ જતા પરિવાર પાછળ દોડતા બાળકને ઝખ્મી કરી દીપડો નાસી છૂટ્યા બાદ બાળકનું મોત થયું હતું. આ બાદ વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અલગ અલગ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ૨૪ કલાક બાદ વનવિભાગને દીપડાને પાંજરે પુરી દેવામાં સફળતા મળી છે. લીલીયા રેંજના આર.એફ ઓ. ભરત ગલાણીની ટીમ દ્વારા દીપડાને પકડવા માટે ૨૪ કલાકથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વનવિભાગના કર્મચારીઓ વોચમાં હતા. આ દરમ્યાન ઘટના બની તે વિસ્તારમાં દીપડો આવતા પાંજરામાં પુરાઈ જતા લીલીયા રેન્જને સફળતા મળી હતી અને સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી. દીપડાને હાલ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.