બાબરી મસ્જિદ ધ્વંશને ૩૨ વર્ષ પૂરાં થઈ ગયાં.
૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતનાં હિંદુવાદી સંગઠનોએ કારસેવા માટે કરેલા એલાનના પ્રતિસાદમાં હજારો લોકો ઉમટી પડેલાં. લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિતના ભાજપના દિગ્ગજ નેતા પણ ત્યાં હાજર હતા. આ નેતાઓએ સવારે કારસેવકો સામે ભાષણબાજી કરી ને તેનાથી જોશમાં આવી ગયેલા હિંદુવાદી કાર્યકરોએ બપોર પછી બાબરી મસ્જિદને ધરાશાયી કરી નાંખી.
ભારતમાં હિંદુત્વના રાજકારણ માટે આ ઘટના ટર્નિંગ પોઈન્ટ હતી.
અયોધ્યામાં એક સમયે જ્યાં બાબરી મસ્જિદ ઉભી હતી ત્યાં આજે ભવ્ય રામમંદિર ઉભું છે પણ એક સમય એવો હતો કે જ્યારે રામમંદિરનું નિર્માણ શક્ય જ નહોતું લાગતું. તેનું કારણ એ હતું કે, બાબરી મસ્જિદને તોડ્‌યા વિના રામમંદિરનું નિર્માણ કરી શકાય તેમ નહોતું. બાબરી મસ્જિદ તોડવાની હિંમત કોઈ બતાવી શકતું નહોતું ત્યારે કલ્યાણસિંહે કળથી કામ લઈને એ કરી બતાવ્યું.
બાબરી મસ્જિદ તૂટી એ સાથે જ એક વિવાદ પણ ધરાશાયી થઈ ગયો. મુસ્લિમો જે મસ્જિદ માટે લડતા હતા એ મસ્જિદ જ ધરાશાયી થઈ ગઈ પછી વિવાદનો અંત આવી ગયો હતો. કોર્ટમાં કેસ ચાલતા રહ્યા પણ વાસ્તવમાં ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ જ બાબરી વિવાદનો અંત લાવી દેવાયેલો ને રામમંદિરના નિર્માણનો તખ્તો તૈયાર કરી દેવાયેલો.
આ તખ્તો ઘડવાનું શ્રેય નિઃશંકપણ કલ્યાણસિંહને જાય છે.
કલ્યાણસિંહે ભાજપ તથા હિંદુવાદી નેતાઓની સલાહથી બધું કર્યું હોય એ શક્ય છે પણ મુદ્દો કોના કહેવાથી તેમણે કર્યું એ નથી. મુદ્દો આખી દુનિયાની નજરમાં વિલન સાબિત થવા માટે જરૂરી હિંમતનો છે. પોતે જે વિચારધારામાં માનતા હતા એ વિચારધારાને વળગી રહેવાની મર્દાનગીનો છે ને કલ્યાણસિંહમાં હિંમત અને મર્દાનગી બંને હતાં.

કમનસીબે કલ્યાણસિંહને બહુ ઓછા લોકોએ યાદ કર્યા.
૬ ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના જૂના ઈન્ટરવ્યૂની ક્લિપ વાયરલ થઈ હતી. બાબરી મસ્જિદ તૂટી ત્યારે કલ્યાણસિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. આ ક્લિપમાં કલ્યાણસિંહ કહે છે કે, બાબરી મસ્જિદ તૂટી તેનો પોતાને કોઈ અફસોસ, રંજ, દુઃખ કે અફસોસ નથી. કલ્યાણસિંહે એમ પણ કહ્યું કે, ઘણાં લોકો ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસને ભારતના ઈતિહાસમાં સૌથી કલંકિત દિવસ ગણાવે છે પણ પોતે એવું નથી માનતા, બલ્કે ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસને દેશના ઈતિહાસમાં સૌથી ગૌરવપૂર્ણ દિવસ માને છે.
કેટલાક હિંદુવાદીઓએ કલ્યાણસિંહના મિજાજનાં વખાણીને તેમને સાચા હિંદુવાદી નેતા ગણાવીને વખાણ કર્યાં પણ ભાજપના અને હિંદુવાદી સંગઠનોના નેતા પણ કલ્યાણસિંહને યાદ કરવાથી દૂર રહ્યા. તેનું કારણ કદાચ એ છે કે, ભાજપ અયોધ્યામાં રામમંદિરના નિર્માણનું બધું શ્રેય નરેન્દ્ર મોદીને આપે છે. મોદી વડાપ્રધાન બન્યા તેના કારણે જ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શક્ય બન્યું એ પ્રકારનો પ્રચાર જોરશોરથી કરીને મોદીના કારણે જ રામમંદિરનું નિર્માણ થયું છે એવો માહોલ ઉભો કરી દેવાયો છે.
વાસ્તવમાં અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો તખ્તો સુપ્રીમ કોર્ટે હિંદુઓની તરફેણમાં આપેલા ચુકાદાના કારણે ઘડાયો હતો. સુપ્રીમ કોર્ટનો ચુકાદો મોદી વડાપ્રધાન હતા ત્યારે ૨૦૧૯માં આવ્યો પણ આ ચુકાદો ખરેખર તો ૨૦૧૦માં દિલ્હી હાઈકોર્ટે આપેલા ચુકાદા પર મંજૂરીની મહોર જેવો હતો.
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન ટાઈટલ કેસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૦ના રોજ આવ્યો હતો. આ ચુકાદો જસ્ટિસ સિભઘત ઉલ્લાહ ખાન, જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ ધરમ વીર શર્માની બનેલી ત્રણ જજોની બેન્ચે આપ્યો હતો. ૨ઃ૧ ની બહુમતી સાથે અપાયેલા ચુકાદામાં કહેવાયેલું કે, અયોધ્યાની રામ જન્મભૂમિ સંકુલની ૨.૭૭ એકર જમીનને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવશે. આ પૈકીની એક
તૃતીયાંશ સુન્ની વક્ફ બોર્ડેને, એક તૃતીયાંશ જમીન નિર્મોહી અખાડાને અને એક
તૃતીયાંશ હિંદુ મહાસભા દ્વારા રજૂ કરાયેલ ‘રામ લલ્લા’ના મંદિર માટે અપાશે. હાઈકોર્ટે બાબરી મસ્જિદ ઉભી કરાયેલી એ જમીન ભગવાન રામના મંદિર માટે આપવાનો આદેશ આપેલો.
સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને પડકારતી અરજી પર સુનાવણી પછી આપેલા ચુકાદામાં થોડો ફેરફાર કર્યો પણ ચુકાદાનું હાર્દ સાચવ્યું. રામ જન્મભૂમિ મંદિરની જમીન હિંદુઓની છે એ ચુકાદો સુપ્રીમ કોર્ટે પણ આપ્યો ને તેના કારણે રામમંદિરના નિર્માણનો રસ્તો સાફ થયો.
કલ્યાણસિંહે બહુ પહેલાં એટલે કે ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ આ ચુકાદાનો તખ્તો તૈયાર કરી દીધેલો.

કલ્યાણસિંહ ૧૯૯૦ના દાયકામાં હિંદુત્વના પોસ્ટર બોય હતા.
ઈન્દિરા ગાંધીની હત્યા પછી યોજાયેલી ૧૯૮૪ની ચૂંટણીમાં ભાજપને લોકસભામાં માત્ર બે બેઠકો મળી હતી અને ભાજપ સાવ પતી જવાના આરે આવીને ઉભો રહી ગયેલો. એ વખતે ભાજપને ફરી બેઠો કરવા લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં ભાજપના જે નેતા પૂરા ઝનૂન અને તાકાતથી હિંદુત્વના મુદ્દે મચી પડેલા તેમાં કલ્યાણસિંહ એક હતા. ઉત્તર પ્રદેશમાં પહેલાં કોંગ્રેસનો દબદબો હતો ને પછી મુલાયમસિંહ યાદવ સહિતના સમાજવાદી નેતા ઉભર્યા.
લોકસભાની ૧૯૮૯ની ચૂંટણીમાં વિશ્વનાથ પ્રતાપસિંહના જનતા દળે યુપીમાંથી કોંગ્રેસને સાફ કરી નાંખી ત્યારે ભાજપની સરકાર રચાશે એવી કોઈને કલ્પના પણ નહોતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને યુપીની ૮૫ બેઠકોમાંથી ૮ બેઠકો જ મળેલી ને ૧૯૮૯ની વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળે સરકાર રચી હતી. એ વખતે ભાજપ ચિત્રમાં નહોતો લાગતો પણ હિંદુત્વના જોરે ભાજપે ૧૯૯૧માં સ્પષ્ટ બહુમતી મેળવીને સૌને સ્તબ્ધ કરી દીધેલા. યુપીમાં ભાજપની એ પહેલી સરકારના મુખિયા કલ્યાણસિંહ હતા. યુપી જેવા દેશના સૌથી મોટા રાજ્યમાં ભાજપનાં મૂળિયાં ઉંડાં કરવાનો યશ એ રીતે કલ્યાણસિંહને જાય છે.
કલ્યાણસિંહને હંમેશાં યાદ ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના કારણે રખાશે.
અયોધ્યામાં કારસેવા માટે એકઠા થયેલા કારસેવકોએ રામ જન્મભૂમિ સંકુલમાં ઉભેલી બાબરી મસ્જિદને ધ્વંશ કરીને સપાટ મેદાન કરી નાખ્યું એ વખતે ઉત્તર પ્રદેશની ગાદી પર કલ્યાણસિંહ બેઠા હતા. કલ્યાણસિંહે બાબરી મસ્જિદની કાંગરી પણ નહીં ખરવા દેવાનું કેન્દ્રની નરસિંહરાવ સરકારને વચન આપીને કારસેવકોને મનમાની કરવા દીધી ને બાબરીને ધરાશાયી થવા દીધી. કલ્યાણસિંહે સાચું કર્યું કે ખોટું કર્યું એ વિશે તુંડેઃ તુંડેઃ મતિર્ભિન્ના હોઈ શકે પણ આ ઘટના ભારતીય આઝાદીના ઈતિહાસમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ તેમાં બેમત નથી.
કલ્યાણસિંહ જેવી હિંમત ગણો તો હિંમત ને દુસ્સાહસ ગણો તો દુસ્સાહસ, બીજો કોઈ મુખ્યમંત્રી બતાવી શક્યો હોત કે કેમ તેમાં શંકા છે. કલ્યાણસિંહે કારસેવકો બાબરી મસ્જિદ તોડતા હતા તેની સામે આંખ આડા કાન કર્યા તેમાં બાબરી મસ્જિદ ધ્વંશ થઈ ને અયોધ્યામાં રામમંદિર નિર્મોણનો તખ્તો તૈયાર થયો. ભક્તજનો રામમંદિર નિર્માણનો યશ મોદીને આપે છે પણ આ યશના ખરા હકદાર કલ્યાણસિંહ હતા.
બાબરી મસ્જિદ ધ્વંશ ના થઈ હોત તો કોઈ સરકારમાં તેને પાડી દેવાની તાકાત નહોતી. બાબરી મસ્જિદ ઉભી હોત તો રામ જન્મભૂમિ મંદિરનો ચુકાદો પણ કદાચ ના આવ્યો હોત. આ વાત કોઈને ‘જો અને તો’ની લાગશે પણ આ વાત સાવ સાચી છે.
કલ્યાણસિંહની આ હરકત બદલ નરસિંહરાવની સરકારે કલ્યાણસિંહ સરકારને બરતરફ કરી દીધેલી પણ કલ્યાણસિંહને તેનો અફસોસ નહોતો, કલ્યાણસિંહે ખાતરી આપ્યા પછી બાબરી મસ્જિદનું રક્ષણ નહોતું કર્યું. તેથી કોંગ્રેસની નરસિંહરાવ સરકારે મુસ્લિમોને રાજી કરવા ભાજપની ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને હિમાચલ પ્રદેશ સહિતની ચારેય સરકારોને ઘરભેગી કરી દીધેલી. ૧૯૯૩માં આ ચારેય રાજ્યોમાં ચૂંટણી થઈ ત્યારે ભાજપ રાજસ્થાન સિવાયનાં બાકીનાં ત્રણેય રાજ્યોમાં હારી ગયેલો. કલ્યાણસિંહ ભાજપને ફરી સત્તામાં પાછો નહોતા લાવી શક્યા પણ ૧૯૯૨ની બાબરી ધ્વંશની ઘટનાએ તેમને હિંદુવાદીઓના પ્રિય નેતા બનાવી દીધેલા.
બાબરી મસ્જિદ ધ્વંશના કારણે કલ્યાણસિંહ ઈતિહાસમાં પોતાની જગા બનાવી ગયા.
ભારતમાં અત્યારે ફરી ૧૯૮૦ના દાયકા જેવો માહોલ છે.
સંભલથી માંડીને અજમેર સુધીનાં ધર્મસ્થાનો અંગેના વિવાદો ઉભા થઈ રહ્યા છે. મુસ્લિમોનાં આ ધર્મસ્થાનો હિંદુ ધર્મસ્થાનોને તોડીને બનાવાયાં હોવાના દાવા થઈ રહ્યા છે.
આ વિવાદો થઈ રહ્યા છે એ રાજ્યોમાં ભાજપની જ સરકારો છે પણ ભાજપ પાસે અત્યારે કોઈ ‘કલ્યાણસિંહ’ નથી.