દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ સંગઠન દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. અભિયાન અંતર્ગત બાબરા શહેર ભાજપ મંડળ દ્વારા શહેર ભાજપના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાન દરમિયાન યોજાનારા વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી કાર્યક્રમોની રૂપરેખા, આયોજન તથા કાર્યપધ્ધતિ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુપેન્દ્રભાઈ બસિયા તથા મુકેશભાઈ ખોખરીયાએ અભિયાન અંતર્ગત યોજાનારા કાર્યક્રમોની માહિતી કાર્યકર્તાઓ સમક્ષ રજૂ કરી હતી. બેઠકમાં કાર્યકર્તાઓને તમામ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક જોડાઈ સેવા, સમર્પણ અને જનસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું.