બાબરાના ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ એમ. પાનશેરીયા તેમજ બાબરા તાલુકા કમિટી તેમજ ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્તરપરા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ખેતી પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરાઈ હતી કે દિવાળી ઉપર અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાંથી સીંગ તણાઇ હતી તેમજ બીજા પાક તલ, જુવાર, બાજરી તેમજ કપાસ વગેરે ખેતી પાકને નુકસાન થયેલ હતું તેનું હજુ પેકેજ નથી મળેલ. ત્યાં તો માવઠામાં ભારે વરસાદથી ઉનાળુ પાક તલી, બાજરી, મગ તેમજ ઉનાળું વાવેતર અને સુકી નીરણ વગેરેમાં ખુબ જ નુક્સાન થયેલ છે. ખેડૂતોને ઉનાળામાં વાવેતર કરીને રોઝ, ભુંડ અને રખડતા પશુના ત્રાસને હિસાબે રાત-દિવસ જાગરણ કરવું પડતું હોય છે. તે ત્રાસ સામે ઝઝુમીને વાવેતર કરી ઉનાળું પાક પકવતો હોય છે. તો ખરેખર જગતના તાત (ખેડૂત) ને ઉપર આભ અને નીચે ધરતી છે. ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ એમ.પાનશેરીયાએ જણાવ્યું હતું કે ભારતનું હૃદય ગામડું હોય અને તેની કરોડરજ્જુ સમાન ખેડૂત હોય તો – હૃદય ધબકતું રાખવા માટે સરકાર ગામડાં માટે અને ગામડાંનાં ખેડૂતો માટે સર્વે કરી પેકેજ આપવું જોઈએ. તે ઉપરાંત ખેતી ટકાવવી હશે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે જરૂરી છે. અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્તરપરાએ જણાવ્યું હતું કે ખેડૂતોનો સુકો ચારો તેમજ ઉનાળું વાવેતર તલ, બાજરી, શાકભાજી વગેરે તેમજ વાડીમાં થયેલા નુકસાનનો સર્વે કરી આગલું અતિવૃષ્ટિનું અને માવઠાથી થયેલ નુકસાનનું ખેડૂતોને યોગ્ય પેકેજ ફાળવે તેવી અંતમાં માંગ કરાઈ છે.