બાબરા નગરપાલિકાનો સમગ્ર વહિવટ ચલાવતા પ્રમુખ પતિના અણઘડ અને મનસ્વી નિર્ણય સામે લોકોમાં રોષની લાગણી પ્રસરી છે. બુધવારીમાં બેસતા ગરીબ વર્ગના ફેરિયાઓ પાસેથી ઉઘરાણા કરવા નગરપાલિકા પ્રમુખ પતિ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
બાબરા નગરપાલિકામાં જ્યારથી નવી બોડી આવી છે ત્યારથી પ્રમુખ પ્રતિનિધિની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. પાલિકા પ્રમુખ પતિ દ્વારા તઘલખી ફરમાન કરવામાં આવ્યું છે. પાલિકાના સ્ટાફ દ્વારા બુધવારીમાં બેસતા ફેરિયાઓ કે જેમને મોંઘવારીનો માર પડ્યો છે અને માંડ માંડ તેમના ઘરનો ચૂલો સળગે છે તેમની પાસેથી ઉઘરાણા કરવામાં આવ્યા હતા.
બીજી તરફ પાલિકામાં એક પણ સ્ટાફ ન હોવાના કારણે લોકોના કામો રખડી પડ્યા હતા. લોકોને ધરમના ધક્કા થતા પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. બાબરાની જનતા તમામ મનસ્વી નિર્ણયથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. તેમ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કૌશિકભાઇ ભરાડે જણાવ્યું હતું.