બાબરા પંથકમાં માતા-પિતાની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર એક પરિણીત મહિલાને તેના પતિ સાથે સમાધાન કરાવી આપવાના બહાને સહકર્મી દ્વારા દુષ્કર્મ આચરવાનો સનસનીખેજ બનાવ સામે આવ્યો હતો. આરોપીએ મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. મહિલાએ સુખપર ગામના મનસુખભાઇ જાગાભાઇ સાકળીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સાત વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરનાર પરિણીતા તેના પતિ સાથે રહે છે અને હીરા ઘસવાનું કામ કરે છે. આરોપી પણ તે જ કારખાનામાં કામ કરતો હોવાથી બંનેની ઓળખાણ હતી. ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર, આરોપીએ તેને કહ્યું હતું કે, ‘હું તારા માતા-પિતા સાથે સમાધાન કરાવી આપીશ. તારા પિતાજી સમાધાન માટે મારા ઘરે આવેલા છે, તું મારી સાથે આવ.’ આમ કહી આરોપી મહિલાને ઘરે લઈ જવાનું કહીને સુખપર ગામે મેલડી માતાજીના મંદિર પાસે આવેલી સાંકડી બજારમાં પહોંચ્યો હતો. ત્યાં એકલતાનો લાભ લઈને આરોપીએ મહિલાની મરજી વિરુદ્ધ શરીર સાથે અડપલાં કરી છેડતી કરી હતી. વધુમાં, આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી, જમીન પર સુવડાવી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના દરમિયાન મહિલાના ડાબા પગના સાથળના ભાગે મૂઢ ઈજા પણ પહોંચી હતી. બળાત્કાર અને છેડતીની ઘટના બાદ, મહિલાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. દેસાઈ બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.









































