બાબરા પંથકમાં રહેતી એક ૧૧ વર્ષની તરૂણી ગત તા.૧૩-૬-૧૮ ના રોજ સાંજના સાતેક વાગ્યે અમરાપરા ગામે સ્વામિનારાયણ મંદિર પાસેથી જતી હતી. ત્યારે ગઢડા તાલુકાના મેઘવાડિયા ગામે રહેતો આરોપી કલ્પેશ ધીરૂભાઈ મકવાણા તથા તેમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરે આ ભોગ બનનાર તરૂણીને લગ્ન બાહ્ય શરીર સંબંધ બાંધવાના ઈરાદાથી તેણી સગીર વયની હોવાનું જાણવા છતાં તેણીનું અપહરણ કરી, પોતાના હવાલાવાળા મોટર સાયકલમાં અપહરણ કરી લઈ જતા હતા. ત્યારે આ તરૂણી રડતી હોય ત્યારે તે જ ગામે રહેતા લાભુભાઈ મોહનભાઈ પાંભર આ તરૂણીને જોઈ જતાં આરોપીઓનું મોટર સાયકલ ઉભું રખાવતા આરોપીઓ ભોગ બનનાર તરૂણીને મૂકી મોટર સાયકલ ઉપર નાસી ગયા હતા. આ કેસમાં તરૂણીના પિતાએ મેઘવાડીયા ગામના આરોપી કલ્પેશ ધીરૂ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટમાં સરકારી વકીલની ધારદાર દલીલોને કારણે આરોપી કલ્પેશ ધીરૂ મકવાણાને ત્રણ વર્ષની સજા અને રૂ.૧૦ હજારનો પોક્સો કોર્ટે દંડ ફટકાર્યો છે.